રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. ડિસેમ્બર 2018માં તેમની રિઝર્વ બેન્કના ગવર્નર તરીકેની નિમણૂંક કરવામાં આવી હતી અને 10 ડિસેમ્બર 2024માં તેમનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. આદેશ અનુસાર, તેઓ વડાપ્રધાનના મુખ્ય સચિવ-1 ડૉ.પી.કે.મિશ્રા સાથે વડાપ્રધાનના મુખ્ય સચિવના રૂપે કામ કરશે.
કેન્દ્ર સરકારમાં નિમણૂંક કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલાં જાહેરનામાંમાં કહેવામાં આવ્યું કે, ‘મંત્રીમંડળની નિમણૂંક સમિતિએ શક્તિકાંત દાસ, આઈએએસ (રિટાયર્ડ) (ટીએનઃ80)ની વડાપ્રધાનના સચિવ-2 નિમણૂંકની મંજૂરી આપવામાં આવી છે. આ નિમણૂંક તેમના પદ સંભાળ્યા બાદથી અમલમાં આવશે. તેમની નિમણૂંક વડાપ્રધાનના કાર્યકાળની સાથે અથવા આવનારા આદેશ સુધી શરૂ રહેશે.’ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના વતની 67 વર્ષીય શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના 1980 બેચના IAS અધિકારી છે. પોતાની કારકિર્દી દરમિયાન તેમણે કેન્દ્ર અને તમિલનાડુ સરકાર માટે વિવિધ પદ પર કામ કર્યું છે. કેન્દ્રમાં તેમણે વિવિધ તબક્કામાં આર્થિક મામલાના સેક્રેટરી, ફાઇનાન્સ સેક્રેટરી અને ફર્ટિલાઇઝર સેક્રેટરીના રૂપે કામ કર્યુ છે. તે દિલ્હીના પ્રખ્યાત સેન્ટ સ્ટીફન્સ કોલેજના વિદ્યાર્થી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500