ઉત્તરપ્રદેશમાં ભીષણ ગરમી અને હીટવેવનો પ્રકોપ ચાલુ છે. સમગ્ર રાજ્યમાં આગ ઝરતી ગરમી જોવા મળી રહી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધવામાં આવ્યું હતું. પ્રયાગરાજમાં સૌથી વધુ 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું જે સામાન્ય કરતા 8.7 ડિગ્રી વધારે હતું. લખનઉના રિજિયોનલ મેટ્રોલોજિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યનું વાતાવરણ સુકુ રહ્યું હતું.
રાજ્યના મોટા ભાગના રાજ્યોમાં ગરમી અને હીટવેવ યથાવત છે. ટૂંક સમયમાં આ ગરમીમાં ઘટાડો થવાની સંભાવના નથી. જયારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 44.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે સામાન્ય કરતા 6 ડિગ્રી વધારે હતું. લઘુતમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે સામાન્ય કરતા 5.7 ડિગ્રી વધારે હતું. હરિયાણા અને પંજાબમાં પણ હીટવેવ ચાલુ છે. સમરાલામાં 47.2 ડિગ્રી સેલ્સિયસ અને નુહમાં 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, દેશના અનેક રાજ્યોમાં ગરમી અને હીટવેવનો પ્રકોપ ચાલુ રહેશે. તારીખ 16થી 18 જૂન દરમિયાન ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર હીટવેવની સંભાવના છે. આ ઉપરાંત જમ્મુ, હિમાચલ, રાજસ્થાનમાં પણ હીટવેવની સંભાવના છે. તારીખ 16 અને 17 જૂને ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, બિહાર અને ઝારખંડના અલગ અલગ વિસ્તારોમાં હીટવેવનો પ્રકોપ જારી રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500