મુખ્યમંત્રી કાર્યાલયથી લગભગ 5 કિમી દૂર સ્વર્ણિમ સંકુલમાં શુક્રવારે રાત્રે તીવ્ર ઠંડીના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. 38 વર્ષીય ઓટોરિક્ષા ડ્રાઈવર વિક્રમ સોલંકી શનિવારે સવારે ગાંધીનગરના ચરેડી ગામ નજીક મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તીવ્ર ઠંડીને કારણે તેનું મૃત્યુ થયું હતું. સેક્ટર 21ના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે ચરેડી ગામમાં ઝૂંપડપટ્ટી પાસે એક રાહદારીએ લાશને રોડની બાજુમાં પડેલી જોઈ અને પોલીસને બોલાવી.
અગાઉ એવું લાગતું હતું કે કોઈએ તેની હત્યા કરી હશે પરંતુ તેના શરીર પર ઝપાઝપી કે ઈજાના કોઈ નિશાન ન હતા. સેક્ટર 21 પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,અમે તેની ઓળખ વિક્રમ સોલંકી તરીકે કરી હતી,જે સેક્ટર 24માં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક બોર્ડની ઓફિસ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. તે રાત્રે ઓટોરિક્ષા ડ્રાઇવર તરીકે અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો.
અધિકારીએ જણાવ્યું કે સોલંકીના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે. તે શુક્રવારે સાંજે ઘરેથી નીકળ્યો હતો અને શનિવારે વહેલી સવાર સુધી પરત આવ્યો ન હતો. ચરેડીમાંથી તેની લાશ મળી આવતા પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું,પ્રાથમિક દ્રષ્ટિએ,તપાસ સૂચવે છે કે તેના હૃદયની ધમનીઓ સંકુચિત હતી જે અત્યંત ઠંડીના સંપર્કમાં આવવાને કારણે થાય છે. સેક્ટર 21 પોલીસના પીઆઈ એમ બી ભરવાડે જણાવ્યું હતું કે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અસાધારણ રીતે ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવી ઠંડીમાં ઉત્તર ગુજરાતમાં ૩ ખેડૂતોએ પણ જીવ ગુમાવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500