Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીરનાં કુપવારામાં વાદળ ફાટતા અનેક મકાનોને નુકસાન : દિલ્હી-NCRમાં જળબંબાકાર જેવી સ્થિતિ

  • July 24, 2023 

મૂશળધાર વરસાદના કારણે અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જયારે આવા સમયે જમ્મુ-કાશ્મીરનાં કુપવારામાં પણ વાદળ ફાટવાનાં કારણે આવેલા પૂરમાં અનેક વાહનો તણાઈ ગયા છે તેમજ અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. બીજીબાજુ રાજસ્થાનમાં વીજળી પડતાં બે લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે યમુના અને હિન્ડન નદીમાં પૂર આવતાં ફરી દિલ્હી-NCRમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. દરમિયાન કર્ણાટકમાં દુષ્કાળની આશંકા વચ્ચે વરસાદથી ખેડૂતોને રાહત થઈ છે. જમ્મુ-કાશ્મીરનાં કૂપવારામાં વાદળ ફાટવાથી પૂર આવતા અનેક વાહનો તણાઈ ગયા છે અને અનેક મકાનો તથા પુલને નુકસાન થયું છે. વધુમાં પૂરનાં કારણે ખેતરોમાં ઊભા પાકને પણ નુકસાન થયું છે.



પૂરના પ્રવાહમાં શિમરિયાલ ગામમાં એક પુલ તણાઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીરનાં અખનૂરમાં પણ મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. આ સમયે અહીં સેંકડો લોકો ફસાયા છે. બચાવ ટીમે અત્યાર સુધીમાં 105 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડયા છે. અખનૂરમાં મૂશળધાર વરસાદનાં કારણે ચિનાબ નદીમાં અચાનક પૂર આવ્યું હતું, જેને પગલે સેંકડો એકર જમીન ડૂબમાં ગઈ હતી. બીજીબાજુ રાજસ્થાનમાં વીજળી પડવાની બે અલગ અલગ ઘટનાઓમાં એક ખેડૂત રાધાશ્યામ મળી અને એક ભરવાડ પ્રકેશ ગુર્જરનાં મોત નીપજ્યાં હતા. વધુમાં વીજળી પડવાની અન્ય એક ઘટનામાં 35 બકરીનાં મોત થયા હતા. દરમિયાન હિમાલચ પ્રદેશમાં મૂશળધાર વરસાદનો કેર ચાલુ રહ્યો છે. હિમાચલમાં પંજાબ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના 11 પ્રવાસીઓ હજુ પણ લાપતા છે.



આ બસ તારીખ 10મી જુલાઈએ મનાલીમાં બિયાસ નદીમાં તણાઈ ગઈ હતી. ઉત્તરપ્રદેશનાં આ પ્રવાસીઓ તારીખ 9મી જુલાઈએ ચંડીગઢથી રવાના થયા હતા, પરંતુ બિયાસ નદીમાં બસ તૂટેલી હાલતમાં મળી આવી હતી અને પ્રવાસીઓ લાપતા હતા. બીજીબાજુ દિલ્હીમાં ફરી એક વખત યમુના નદીમાં પૂર આવ્યું છે. યમુનાની સાથે હિન્ડન નદીમાં પૂર આવતા દિલ્હી-NCRનાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. હિન્ડન નદીમાં પૂર આવતાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 50 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આખા દેશમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કર્ણાટકમાં દુષ્કાળની સ્થિતિ સર્જાવાની ભીતી હતી. પરંતુ હવે કર્ણાટકના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application