ધારાશિવ જિલ્લામાં આવેલ તુળજાભવાનીના મંદિરમાં પુરાતન અને મૂલ્યવાન દાગીનાની ચોરીના પ્રકરણમાં અંતે પોલીસે સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. જેમની સામે ગુનો નોંધાયો તેમાં ચાર મહંત, ધાર્મિક વ્યવસ્થાપક અને સેવકોનો સમાવેશ થાય છે. ધારાશિવના કલેકટર ડૉ.સચિન ઓમ્બાસેના આદેશ બાદ એક અઠવાડિયા પછી આ બાબતે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ગંભીર કેસની તપાસ માટે ડીવાયએસપી કક્ષાના એક અધિકારીના વડપણ હેઠળ એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સંદર્ભે વધુ વિગતાનુસાર હાલ ચાલી રહેલ અધિવેશનમાં વિધાનસભ્ય મહાદેવ જાનકરે વિધાન-પરિષદમાં તુળજાભવાની મંદિરમાં પુરાતન દાગીનાની ચોરીનો મુદ્દો ઉઠાવી આ બાબતે ગુનો નોંધવામાં મોડું કરવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ત્યારબાદ ઉપસભાપતિએ ફરિયાદ આપ્યા છતા પણ ગુનો કેસ દાખલ થતો નથી તેવા પ્રશ્ન કરી અધિવેશન સમાપ્ત થાય તે પહેલા ગુનાની નોંધ કરવા બાબતે રાજ્ય સરકારને સૂચિત કરી હતી. તે મુજબ સ્થાનિક કલેકટર અને મંદિર સમિતિના અધ્યક્ષએ પોલીસને આ પ્રકરણે ગુનો નોંધવાનો આદેશ આપતા તુળજાપુર પોલીસ મથકમાં આઇપીસીની કલમ 420, 406, 409, 381 અને 34 હેઠળ 7 જણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તેના મહંત હમરોજી બુવા (ગુરુ ચિલોજી બુવા), મહંત ચિલોજી બુવા (ગુરુ હમરોજી બુવા), મહંત વાકોજી બુવા (ગુરુ તકોજી બુવા), મહંત બજાજી બુવા (ગુરુ વાકોજી બુવા) નામના ચાર મહંત સહિત મૃત સહાયક ધાર્મિક વ્યવસ્થાપક અંબાદાસ ભોસલે, સેવક પલંગે અને મંદિરના એક અજ્ઞાત અધિકારી/ કર્મચારી એમ કુલ સાત જણનો સમાવેશ થાય છે.
તુળજાભવાની દેવી મંદિર મહારાષ્ટ્રનાં પ્રાચીન મંદિરોમાંથી એક છે. દેવીના ખજાનામાં પુરાતન દાગીનાઓનો મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે. સદીયોથી વિવિધ રાજા-મહારાજા, મોગલ બાદશાહો, નિઝામ, પોર્ટુગીઝ અને ડચ શાસકોએ પણ દેવીના ચરણે ભાવપૂર્વક દાગીના અર્પણ કર્યા હતા. આ સિવાય છેલ્લા 14 વર્ષમાં ભક્તોએ કુલ 207 કિલો સોનું, અઢી હજાર કિલો ચાંદી તેમજ શિવકાલીન દાગીના વિવિધ રાજદરબારના નાણા, સહિત ખૂબ જ સમૃદ્ધ ખજાનો મંદિર ટ્રસ્ટ પાસે છે.
જોકે આ સમૃદ્ધ ખજાના પર અમૂક જણે હાથ માર્યો હોવાની બૂમરાણ મચ્યા બાદ 16 જણની એક સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ જુલાઇ મહિનામાં તેનો અહેવાલ આપ્યો હતો જેમાં અમૂક પુરાતન અને ખૂબ જ મૂલ્યવાન દાગીના ગુમ હોવાનું સામે આવ્યું હતું. સદીઓ જૂના પુરાતન દાગીના ગુમ થયા હોવાનો અહેવાલ આવ્યા બાદ સ્થાનિક કલેકટરે એક અઠવાડિયા પહેલા આ બાબતે ગુનો નોંધવાનો આદેશ આપ્યા બાદ તાજેતરમાં તુળજાપુર પોલીસ સ્ટેશનમાં કુલ સાત જણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવશે આ તપાસ માટે એક ડીવાયએસપી કક્ષાના અધિકારીની પણ નિમણૂક કરાશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500