રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં કાર અને ટ્રક સામસામે ટકરાતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મોત નિપજ્યા હતા અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માત શનિવારે રાત્રે થયો હતો જ્યારે પરિવાર એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ નૌરંગડેસરમાં રહેતા ગુરબચન સિંહ મજબીનો પરિવાર તેમના ઘરથી ચાર કિલોમીટર દૂર આદર્શનગર ગામમાં જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી પોતાની કારમાં પરત ફરી રહ્યો હતો. દરમિયાન રાત્રીના 10 વાગ્યાના સુમારે હનુમાનગઢથી સરદારશહેર મેગા હાઈવે પર લખુવાલી શેરગઢ ગામ પાસે ઓવરટેક કરવા જતાં કાર સામેથી આવતી સિમેન્ટ ભરેલી ટ્રક સાથે ટકરાઇ હતી.
એસએચઓ વેદ પાલે જણાવ્યું કે આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ 60 વર્ષીય પરમજીત કૌર, ખુશવિંદર સિંહ, તેમના પત્ની પરમજીત કૌર, પુત્ર મનજોત સિંહ અને 36 વર્ષીય રામપાલ, તેમના પત્ની રીના અને પુત્રી રીટા તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ આકાશદીપ સિંહ અને મનરાજ કૌર તરીકે થઈ છે જેમને બિકાનેરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. એસએચઓ પાલે વધુમાં જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500