ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે શહેરના સેક્ટર-13માં આવેલા મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના પગલે પોલીસે દરોડો પાડીને સંચાલક સહિત સાત જુગારીઓને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ મોબાઈલ અને વાહન મળી કુલ રૂપિયા 1.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-7 પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન બાતમી મળી હતી કે, સેકટર-13/A પ્લોટ નંબર-640/1 માં રહેતો દિલીપ કલ્લુભાઈ બનીયા બહારથી કેટલાક માણસો બોલાવી ગંજી-પાનાથી પૈસાનો હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસે દરોડો પાડતા મકાનમાં રહેલા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે પોલીસે અહીં જુગાર રમાડતા સંચાલક દિલીપ બનીયા સાથે જુગાર રમવા આવેલા દિપેંદ્ર લક્ષ્મણભાઈ કુસ્વાહ, અર્જુન દ્રારીકા બડાઈ, મનિષ રમેશભાઈ શર્મા, કિશોર પરાગસિંગ લોધી, અવધકિશોર શિવદયાલ યાદવ અને રણજીત જગતસિંહ યાદવને ઝડપી લીધા હતા. આ જુગારીઓ પાસેથી 15 હજાર રૂપિયાની રોકડ અને 7 મોબાઈલ તેમજ ત્રણ વાહનો મળી 1.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તેમની સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500