ગાંધીનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં લાંચ લેવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા તિજોરી અધિકારી કચેરીનો સેવક 20 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. આ કચેરીમાં લાંચ લેવાતી હોવાની ફરિયાદને પગલે ગાંધીનગર એસીબી દ્વારા ડીકોય ગોઠવવામાં આવી હતી અને તેમાં તેમને સફળતા પણ મળી છે. સરકારી કચેરીઓમાં લાંચ આપ્યા વગર કોઈ કામ થતા નથી અને એસીબી દ્વારા આવા લાંચિયા અધિકારી-કર્મચારીઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે તેમ છતાં આવા અધિકારીઓ લાંચ લેતા ડરતા નથી અને તેમની નીચેનો સ્ટાફ પણ નાના મોટા કામ માટે લાંચ લેવા માટે દોડતો હોય છે.
ત્યારે ગાંધીનગર એસીબીને માહિતી મળી હતી કે, ગાંધીનગર જિલ્લા તિજોરી અધિકારીની કચેરીમાં જિલ્લાની અલગ અલગ સરકારી કચેરીઓમાંથી આવતા પગાર બિલો, કન્ટીજન બીલો, ઉચ્ચતર, એરિયસ બિલો, ફીક્સ ટુ ફુલ પે જેવા બીલોમાં 3 હજારથી લઈને 5 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી રહી છે. જેના પગલે ગાંધીનગર એકમના મદદનીશ નિયામક એ.કે પરમારની સુચનને પગલે ગાંધીનગર એસીબી દ્વારા ડીકોય કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત આ કચેરીના પટાવાળા ઐયુબભાઈ સુબામિયા ઝાલોરીને ફૂલ પેના ચાર જેટલા બિલો મંજૂર કરવા માટે કહેવાયું હતું.
જે માટે અયુબભાઈ દ્વારા એક બીલના 5 હજાર લેખે 20 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ સંદર્ભે ડીકોય દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ સેવક અયુબભાઈ દ્વારા 20 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી તે દરમિયાન એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા અને તેમની ટીમ પહોંચી હતી અને સેવકને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. જેના પગલે હાલ જિલ્લામાં લાંચિયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500