દેશમાં હાઈવે પર થતાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આગરાનાં નેશનલ હાઈવે નંબર 19 પર એક ભયાનક અકસ્માતની ઘટના બની છે, જેમાં 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશનાં આગરાના નેશનલ હાઈવે નંબર-19 પર એક ભયાનક રોડ અકસ્માતની દુર્ધટના બની છે જેમાં એક પુરઝડપે આવી રહેલ ટ્રકે લગભગ 20 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે.
જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ હાઈવે નંબર 19 પર શાકભાજીની માર્કેટ પાસે પોલીસના બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, જ્યાંથી એક પછી વાહનો એક ધીરે-ધીરે પસાર થઈ રહ્યા હતા.
ત્યારે મથુરા તરફથી પુરપાટ ઝડપથી આવી રહેલા ટ્રકે આગળ ચાલી રહેલા 20 વાહનોને કચડી નાંખ્યા હતા. આ અકસ્માત સર્જીને ટ્રક ચાલકે ઘટના સ્થળેથી ભાગવનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થળ પર હાજર લોકોએ તેને ઝડપી લીધો હતો અને મેથીપાક ચખાડ્યો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, તેમને શંકા છે કે ટ્રક ચાલક નશામાં હતો. આ ઉપરાંત કહ્યું હતું કે, હજુ સુધી મૃતકો તેમજ ઘાયલોની ઓળખ થઈ શકી નથી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ટ્રક આગળ ઉભેલા વાહનોને કચડીને આગળ જાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500