Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જૂનાગઢમાં ગંભીર અકસ્માત : કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડેમમાં ડૂબી જતાં ચાલકનું મોત

  • September 02, 2024 

જૂનાગઢના નવા બાયપાસ પર બપોરના સમયે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં કાર ચાલકે કાબૂ ગુમાવતા હાઈવે પર વધાવી નજીકના ડેમમાં કાર ડૂબી ગઈ હતી. બાદમાં સ્થાનિકોએ તંત્રને જાણ કરતા પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ કારને બહાર કાઢતા તેમાંથી કાર ચાલક મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક યુવાન આયુર્વેદિક દવાના ધંધા સાથે સંકળાયેલો હતો. જૂનાગઢ શહેરના મારૂતિનગર, ખામધ્રોળ પર રહેતા ઈશ્વરદાસ વિષ્ણુદાસ નિમાવત (ઉ.વ.૩પ) તેમની કાર લઈ બપોરના સમયે નવા બાયપાસ રોડ પરથી વંથલી તરફ જતા હતા. તેવામાં વધાવી નજીક અચાનક જ તેમણે કાર પરથી કાબુ ગુમાવતા ગાડી બેકાબુ બની ગઈ હતી.  વધાવી નજીક હાઈવે પરથી ગાડી બેકાબુ થઈ હાઈવેની નીચે આવેલા હરીયાવન ડેમમાં ઘુસી ગઈ હતી.


હરીયાવન ડેમમાં ઉપરના ભાગે પાણી અને નીચે કાદવ હોવાથી ગાડી કાદવમાં ખુંચી ગઈ હતી. આ અંગે રસ્તા પર પસાર થતા રાહદારીઓ તથા નજીકમાં આવેલ હોટલના સંચાલકો અને સ્થાનિકોએ ઘટનાને નજરે જોયા બાદ તુરંત જ પોલીસ, ૧૦૮ને જાણ કરી હતી. બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. પરંતુ ગાડી કાદવમાં ખુંચી ગઈ હોવાથી તેને બહાર કાઢવી મુશ્કેલ હતી. આ અંગે પોલીસે તુરંત જ મનપાની ફાયર ટીમને જાણ કરતા તે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. બાદમાં ગાડીને બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવામાં આવી હતી.


ક્રેઈનની મદદ વડે ગાડીને બહાર કાઢવામાં આવી હતી. ગાડીને બહાર કાઢી ત્યારે તેમાંથી ઈશ્વરદાસ નિમાવત નામના યુવાનની લાશ મળી હતી. પોલીસે મૃતક યુવાનને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડયો હતો. જ્યારે અકસ્માત થયો ત્યારે ગાડીમાં કેટલા લોકો સવાર હતા તે અંગેની કોઈપણ જાણ હતી નહી. ગાડી બહાર નીકળ્યા બાદ જ તેમાં એક જ વ્યક્તિ સવાર હોવાનું સામે આવ્યું છે. ગાડી બહાર નીકળી ગયા બાદ પણ અન્ય કોઈ વ્યક્તિ કારમાંથી નીકળી ડેમમાં ડુબી ગયું છે કે કેમ ? તે અંગેની પણ ફાયર અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.


પરંતુ અન્ય કોઈ વ્યક્તિ નહી હોવાનું  સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કાર પાણીમાં ડુબી ગઈ ત્યારે કારમાં કેટલા લોકો હતા તેને લઈ મોટી ચિંતા હતી. કારમાંથી બહાર નીકળવા માટે યુવકે અનેક પ્રયાસો પણ કર્યા હતા પરંતુ આખી કાર પાણીમાં ડુબી ગયેલી હાલતમાં હોવાથી તેમાંથી બહાર નીકળવું અશક્ય બની ગયું હતું. જેના લીધે કાર ચાલકે પાણીમાં જ જીવ ગુમાવવો પડયો છે. પોલીસે પ્રાથમિક તપાસ દરમ્યાન જણાવ્યું હતું કે, મૃતક ઈશ્વરદાસ નિમાવત આર્યુવેદિક દવાના ધંધા સાથે સંકળાયેલા છે અને તેમને પરિવારમાં એક પુત્ર, પત્ની અને તેમની માતા સાથે મારૂતીનગરમાં રહે છે. ઈશ્વરદાસ શા કામ માટે વંથલી તરફ જઈ રહ્યા હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કારને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવતી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News