Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી, કોના હસ્તે એવોર્ડ એનાયત કરાશે ??

  • August 24, 2022 

વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી થઇ છે, જેમાં ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ વલસાડ જિલ્લાના બે શિક્ષકો ધરમપુર તાલુકાના માલનપાડાની નવીનગરી પ્રાથમિક શાળા મુખ્યશિક્ષક મહેન્દ્રસિંહ પરમાર અને વલસાડ તાલુકાની બાઈ આંવા બાઈ હાઈસ્કુલના વ્યાયામ શિક્ષક ધનસુખભાઈ ટંડેલની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો માટે પસંદગી કરવામાં આવી છે.



મહેન્દ્રસિંહ પરમારની પ્રાથમિક શાળા કેટેગરીમાં અને ધનસુખભાઈ ટંડેલની માધ્યમિક શાળા કેટેગરીમાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ બન્ને શિક્ષકોને ૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ શિક્ષકદિનના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરાશે. માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ પરમાર ૩૬ વર્ષની પ્રભાવી,નિર્વિવાદ અને ગૌરવશાળી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે.તેમણે અત્યારસુધી ત્રણ પ્રાથમિક શાળાઓમાં ઉપશિક્ષક અને મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી છે. તેમજ તેમણે નવીનગરી પ્રાથમિક શાળાને સર્વભાગીદારીથી વર્ષ ૨૦૧૫-૧૬ અને વર્ષ ૨૦૨૧-૨૨માં સ્વચ્છતા એવોર્ડમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ પણ જીતાડ્યો હતો. વર્ષ ૨૦૨૧-૨૨માં ગુણોત્સવ ૨.૦ના દ્વિતિય સાયકલમાં શાળાને A+ ગ્રેડ મેળવવામાં તેમજ શાળાને પીળા સ્તરમાંથી ગ્રીન  ૧ સ્તરમાં સામેલ કરી અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રમાં ૮૭% સિદ્ધિ મેળવવામાં તેમનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.



તેમને શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ ૨૦૧૮માં તાલુકા કક્ષાના અને વર્ષ ૨૦૧૯માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. વર્ષ ૨૦૨૦માં તેમને રાજ્યકક્ષાએ પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. તેઓ શેક્ષણિક કાર્ય સાથે લોકસેવામાં પણ અગ્રેસર છે, તેમણે ૨૪ રક્તદાન શિબીરોનું આયોજન કરી અત્યાર સુધી તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ૪૫૦થી વધુ બોટલ રક્ત એકત્રિત કર્યું છે. માધ્યમિક શાળા કેટેગરીમાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા વલસાડની બાઈ આંવાબાઈ હાઈસ્કુલના વ્યાયામ શિક્ષક ધનસુખભાઈ ટંડેલ છેલ્લા ૨૦ વર્ષોથી વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પોતાના પિતાના જીવનથી પ્રેરણા લઈ તેમણે વ્યાયામ શિક્ષક બનવાનું સ્વપ્ન સેવ્યું હતું તેથી તેમણે વર્ષ ૧૯૯૧માં એમના કોલેજકાળ દરમિયાન N.C.C.ની B અને Cની અને વર્ષ ૧૯૯૩માં બી.પી.એડ.ની પરીક્ષા પાસ કરી હતી. તેમજ N.C.C.માં ઉત્કૃષ્ઠ દેખાવને કારણે તેમની પ્રજાસત્તાકદિન પ્રધાનમંત્રીની રેલીમાં ભાગ લેવા માટે પસંદગી કરાઈ હતી. વર્ષ ૨૦૦૨માં તેમની વલસાડની બાઈ આંવાબાઈ હાઈસ્કુલના વ્યાયામ શિક્ષક તરીકે નિમણૂંક થઈ હતી.



તેમની અધ્યક્ષતામાં શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સફળતાઓ મેળવી છે. ધનસુખભાઈને વ્યાયામ શિક્ષક તરીકેના કાર્યકાળ દરમિયાન અધ્યાપન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ વર્ષ ૨૦૧૮માં તાલુકા કક્ષાના અને વર્ષ ૨૦૧૯માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ તેમને વર્ષ ૨૦૨૦માં આઈ.એન.એસ.સી. ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્કોલર શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક પણ એનાયત કરાયું હતું. મહેન્દ્રસિંહ પરમાર અને ધનસુખભાઈ ટંડેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી થવા બદલ વલસાડ જિલ્લાના માધ્યમિક શિક્ષણ અધિકારીશ્રી કે.એફ.વસાવા અને પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી બી.ડી.બારીયાએ આનંદની લાગણી વ્યક્ત કરી બન્ને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application