બોરસદ શહેરના એક ટેર્નામેન્ટમાં ભરબપોરે ઈન્ટરનેટ ચેક કરવાના બહાને ઘરમાં ઘુસી આવેલા અજાણ્યા શખ્સે યુવતીના મોઢા ઉપર ડુચો મારી દઈ ચપ્પુની અણીએ સોનાની ચેઈન અને રોકડા રૂપિયા 24 લાખ મળી કુલ રૂપિયા 24.50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોરસદ શહેરના 100 ફૂટ રોડ ઉપર આવેલામાં ટેર્નામેન્ટ ખાતે રહેતા અને એમબીબીએસનો અભ્યાસ પૂરો કરેલા 25 વર્ષીય આર્ચીબેન દિપકભાઈ પઢિયાર ઘરે એકલાં હતાં.
તે દરમિયાન બપોરે સવા વાગ્યાની આસપાસના ટોપી, ચશ્મા અને મોઢે રૂમાલ બાંધેલો એક શખ્સ તેમના ઘરે આવ્યો હતો અને વાઈફાઈ ચેક કરવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. ઘરનું વાઈફાઈ બંધ હોવાથી આવનાર શખ્સ વાઈફાઈ ચેક કરવા માટે જ આવ્યા હોવાનું માની તેણીએ અજાણ્યા શખ્સને ઘરમાં પ્રવેશ આપ્યો હતો અને પાણી પીવા માટે પાણીની બોટલ લેવા ગઈ હતી. દરમિયાન પાછળથી અજાણ્યા શખ્સે રૂમાલથી મોઢાના ભાગે ડૂચો મારી દીધો હતો અને આર્ચીબેનને ચપ્પુ બતાવી ગળામાં પહેરેલી સોનાની ચેઈન આપી દેવા કહ્યું હતું.
બીકના માર્યા તેણીએ ચેઈન ઉતારીને આપી દીધી હતી. ત્યારબાદ શખ્સે તને અને તારા પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાણાં ક્યાં મૂક્યા છે તેમ પુછતા તેણીએ ઉપરના માળે ઈશારો કર્યો હતો. જેથી અજાણ્યો શખ્સ તેણીને ઉપરના માળે લઈ જઈ તિજોરીમાં રાખેલા રોકડા રૂપિયા 24 લાખની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ તેણીને બે-ત્રણ લાફા મારી દેતા તેણી બેભાન થઈ પડી ગઈ હતી. બાદમાં શખ્સ રોકડ અને સોનાની ચેઈનની લૂંટ ચલાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે બોરસદ શહેર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500