રાજસ્થાનનાં અનુપગઢ જિલ્લામાં સુરક્ષા દળોએ 12 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. આ હેરોઈનને પાકિસ્તાનમાંથી ડ્રોન મારફતે ભારતમાં ઠલવાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ડ્રગ્સની અંદાજિત કિંમત રૂપિયા 60 કરોડની છે. બીએસએફ અને રાજસ્થાન પોલીસનું આ સંયુક્ત ઓપરેશન હતું. એક રિપોર્ટ મુજબ, બીએસએફ અને રાજસ્થાન પોલીસને અનુપગઢ અને સમેજા કોઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 6 કિલો હેરોઈનના બે કન્સાઈનમેન્ટ મળી આવ્યા હતાં.
આ કન્સાઈનમેન્ટને ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, અનુપગઢ વિસ્તારમાં કૈલાશ ચોકી નજીક ગામમાં ડ્રોન પર બીએસએફના જવાનોએ ગોળીબાર કર્યો હતો. બીએસએફના જવાનો અને પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં અનુપગઢ અને સમેજા કોઠીમાંથી 6 કિલોના હેરોઈનના બે પેકેટ મળી આવ્યા હતાં. આ બંને કન્સાઈનમેન્ટની કિંમત રૂપિયા 60 કરોડની આસપાસની છે.
સમેજા કોળી વિસ્તારમાં સ્થાનિકોએ ડ્રોનનો અવાજ સાંભળ્યા બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમને જોઈને દાણચોરોએ ગોળીબાર કર્યો હતો અને તેઓ ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતાં. મળતી માહિતી અનુસાર, ડ્રોન દ્વારા પાકિસ્તાનમાંથી અવારનવાર ડ્રગ્સની દાણચોરી કરવામાં આવે છે. ડ્રોનને ટ્રેક કરવા માટે ટૂંક સમયમાં એન્ટી ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. અન્ય કિસ્સામાં રાજસ્થાન પોલીસે હનુમાનગઢમાં 400 ગ્રામ હેરોઈન સાથે ત્રણ આરોપીઓ જગ્ગા સિંહ, ગુરવિંદર સિંહ અને સંદીપ ઘંટલાની ધરપકડ કરી હતી. ડ્રગ્સની બજાર કિંમત રૂ.2 કરોડ હોવાની માહિતી સામે આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500