મણિપુરમાં સુરક્ષાદળોએ સોમવારે એક મોટુ ઓપરેશન હાથ ધરી ઓછામાં ઓછા 10 હથિયારધારી કુકી ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે. આ ઉગ્રવાદીઓ જીરીબામ જિલ્લાના બોરો બેકરામાં આવેલા પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે લગભગ 3.30 વાગ્યે, કુકી ઉગ્રવાદીઓએ જીરીબામના બોરોબેકરામાં CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો. કુકી ઉગ્રવાદીઓના હુમલાનો જવાબ આપતાં સીઆરપીએફએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 10 કુકી ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતાં. આ ઓપરેશનમાં સીઆરપીએફનો એક જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયો છે.
માર્યા ગયેલા કુકી ઉગ્રવાદીઓ પાસેથી 4 SLR (સેલ્ફ લોડેડ રાઈફલ), 3 AK-47, એક RPG (રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ) અને અન્ય હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. કુકી-હમર સમુદાયના સશસ્ત્ર ઉગ્રવાદીઓએ કેટલાક ઘરોને આગ લગાડી અને જિરીબામ જિલ્લાના બોરોબેકરા પોલીસ સ્ટેશન પર બપોરે 2:30 વાગ્યે હુમલો કર્યો અને અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સંબંધિત ઘટનામાં, બોરોબેકરા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના જકુરાધોર ખાતે મૈતેઈ સમુદાયના ત્રણથી ચાર ખાલી મકાનોને અજાણ્યા તત્વોએ આગ ચાંપી દીધી હતી.
તેઓ પણ કુકી-હમર સમુદાયના હોવાની શંકા છે. જકુરાધોર કરોંગ બોરોબેકરા પોલીસ સ્ટેશનથી લગભગ 100 મીટરના અંતરે આવેલું છે. સીઆરપીએફ, અસમ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનો બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતાં. જેમની સામે જ પોલીસ સ્ટેશનની નજીક આવેલા ઘરોને આ કુકી ઉગ્રવાદીઓએ આગ ચાંપી દીધી હતી. સુરક્ષા દળ નિઃસહાયની જેમ મૂક દર્શક તરીકે જોતુ રહ્યું. જોકે જ્યારે તેઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો ત્યારે તેઓએ જવાબી કાર્યવાહી કરી અને જેમાં 10 ઉગ્રવાદીઓને ઠાર માર્યા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500