કર્ણાટક હાઈકોર્ટે તેના એક ચુકાદામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બીજી પત્ની તેના પતિ સામે ક્રૂરતાની ફરિયાદ ન કરી શકે. તેની સાથે જ હાઈકોર્ટે IPCની કલમ 498-એ (વિવાહિત મહિલા વિરુદ્ધ ક્રૂરતા) હેઠળ 46 વર્ષના એક વ્યક્તિની સજાને રદ કરી દીધી છે કેમ કે ક્રૂરતાની ફરિયાદ અરજદારની 'બીજી પત્ની' એ કરી હતી.
આ મામલે હાઈકોર્ટે કહ્યું કે ક્રૂરતાની ફરિયાદ બીજી પત્નીએ કરી છે જે આ મામલાને અમાન્ય અને શૂન્ય બનાવી દે છે. જસ્ટિસ એસ.રચૈયાની સિંગલ બેન્ચે ચુકાદામાં કહ્યું કે એક વખત જ્યારે ફરિયાદી મહિલાને અરજદારની બીજી પત્ની માની લેવામાં આવે તો જાહેર છે કે IPCની કલમ 498-એ હેઠળ ગુના માટે અરજદાર વિરુદ્ધ દાખલ ફરિયાદ પર વિચારી ન શકાય.
કોર્ટે કહ્યું કે બીજા શબ્દોમાં કહીએ તો બીજી પત્ની દ્વારા તેના પતિ કે સાસરિયા પક્ષ સામે દાખલ કરાયેલી ફરિયાદ સુનાવણીને યોગ્ય જ નથી. નીચલી કોર્ટ દ્વારા આ પાસા પર સિદ્ધાંતો અને કાયદાને લાગુ કરવામાં ભૂલ કરી છે. એટલા માટે કોર્ટ આ મામલે પુનઃનિરીક્ષણ ક્ષેત્રાધિકારનો ઉપયોગ કરી યોગ્ય હસ્તક્ષેપ કરી રહી છે. કર્ણાટક હાઈકોર્ટ તુમકુરુ જિલ્લાના વિટ્ટાવતહલ્લીના વતની કંથારાજૂ દ્વારા દાખલ ગુનાઈત પુનઃનિરીક્ષણ અરજી પર સુનાવણી કરી રહી હતી.
ફરિયાદી મહિલાએ નીચલી કોર્ટમાં દાવો કર્યો હતો કે તે કંથારાજૂની બીજી પત્ની છે. તે પાંચ વર્ષ સુધી સાથે રહ્યા અને તેમનો એક દીકરો પણ છે પણ બાદમાં તેને લકવો લાગ્યો જેના લીધે તે અશક્ત બની ગઈ. ત્યારબાદ કંથારાજૂએ તેની હેરાનગતિ શરૂ કરી હતી અને ક્રૂરતા તથા માનસિક યાતનાઓ આપવા લાગ્યો. આ મામલે 2019માં ફરિયાદ થઈ અને સેશન કોર્ટે સજા સંભળાવી. 4 વર્ષ બાદ હવે હાઈકોર્ટે સજા રદ કરી. કોર્ટે કહ્યું કે ફરિયાદી મહિલાએ સાબિત કરવું પડશે કે તેના પતિ સાથે લગ્ન કાયદેસર હતા અથવા તે ફરિયાદીની કાનૂની પત્ની છે. જ્યાં સુધી એ સાબિત નહીં થાય ત્યાં સુધી નીચલી કોર્ટે ફરિયાદી મહિલા અને તેની માના પુરાવા પર કાર્યવાહી કરવાની જરૂર હતી કે તે તેના પતિની બીજી પત્ની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500