Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્કૂલો ખાનગી પ્રકાશનોના પુસ્તકો લાવવા માટે દબાણ કરશે સ્કૂલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

  • June 26, 2024 

ખાનગી સ્કૂલોમાં ખાનગી કંપનીઓ-ખાનગી પ્રકાશનોના પુસ્તકોનો કરોડો રૂપિયાનો વેપલો ચાલે છે ત્યારે સરકારે અંતે ખાનગી કંપનીઓનાં પુસ્તકો ભણાવવા સામે લાલ આંખ કરતા ખાનગી પુસ્તકો ન ભણાવવાનો આદેશ કરતો ઠરાવ કર્યો છે. જે મુજબ હવે ગુજરાત સ્ટેટ બોર્ડની સ્કૂલોએ એનસીઈઆરટી કે જીસીઆઈરટીના અને સીબીએસઈની સ્કૂલોએ પણ માન્ય એવા એનસીઈઆરટીના જ પુસ્તકો ભણાવવાના રહેશે. જો સ્કૂલો ખાનગી પ્રકાશનોના પુસ્તકો લાવવા માટે દબાણ કરશે અને એનસીઈઆરટી કે જીસીઈઆરટી માન્ય પુસ્તકો લાવવા બદલ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરશે તો સ્કૂલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.


શિક્ષણ વિભાગે કરેલા ઠરાવની જોગવાઈઓ મુજબ આરટીઈ એક્ટ ૨૦૦૯ની કલમ ૨(એન) હેઠળ વ્યાખ્યાયિત તમામ કેન્દ્રિય શાળાઓ કે સીબીએસઈ સ્કૂલોએ એનસીઈઆરટી (નેશનલ કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) અથવા એસસીઈઆરટી (સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)નાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પ્રક્રિયાને અનુસરવાની રહેશે. જે તે શાળાની માન્યતાની શરતો મુજબ જે અભ્યાસક્રમ ચાલતો હોય તે શાળાઓ માટે નિયત થયેલ શૈક્ષણિક સતામંડળ (એકેડેમિક ઓથોરિટી) દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ હોય તેવી પ્રિન્ટેડ સામગ્રીનો જ ઉપયોગ કરવાનો રહેશે. માન્યતા વગરના પાઠય પુસ્તકો કે પુસ્તકો તેમજ માર્ગદર્શિકા અને સ્વાધ્યાય પોથી તથા નિબંધમાળા વગેરે સહિતની પ્રિન્ટેડ સામગ્રીનો ઉપયોગ નહીં કરી શકાય.


એકેડેમિક ઓથોરિટી દ્વારા અધિકૃત કરવામા આવેલ શૈક્ષણિક સત્તાધિકારી દ્વારા મંજૂર થયેલ સાહિત્ય જ શાળાઓએ ફરજીયાત વાપરવાનું રહેશે. પ્રાથમિક સ્કૂલોમાં એવુ કોઈ પણ સાહિત્ય નહીં વાપરી શકાય કે જે શૈક્ષણિક સત્તાધિકારી મંજૂર થયેલ ન હોય. કેટલીક શાળાઓમાં ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત ગાઈડ, સ્વાધ્યાયપોથી, નકશાપોથી, પ્રયોગપોથી, નિબંધામાળા વગેરે વાપરવામા આવે છે. પરંતુ જેની મંજૂરી રાજ્ય કક્ષાએથી મેળવાયેલી ન હોવાથી આવુ કોઈ પણ ખાનગી સાહિત્ય સ્કૂલોમાં ઉપયો ગમાં લઈ શકાશે નહીં.


સરકારે ઠરાવમા એવી પણ ખાસ જોગવાઈ કરી છે કે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સ્કૂલમાં એનસીઈઆરટી કે જીસીઈઆરટીના પુસ્તકો બાળકો દ્વારા લવાય અને જો તેઓ સાથે ભેદભાવ કરવામા આવશે કે તેઓને ત્રાસ આપવામા આવશે અને ખાનગી પુસ્તકો માટે દબાણ કરવામા આવશે તો સ્કૂલ મેનેજમેન્ટ સામે જુવેનાઈલ એક્ટ ૨૦૧૫ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરાશે. સરકારે આ ઠરાવની જોગવાઈઓનું પાલન કરાવવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને જિલ્લા-તાલુકા કક્ષાના શૈક્ષણિક અધિકારીઓને કડક આદેશ પણ કર્યો છે. આ તમામ જોગવાઈઓ-સૂચનાઓને સ્કૂલોએ પોતાની વેબસાઈટ પર તેમજ નોટિસ બોર્ડ પર મુકવાની રહેશે.વાલીઓને આ બાબતની જાણ થાય તે માટેની પ્રક્રિયા કરવાની રહેશે તેવો પણ સરકારે આદેશ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application