અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાંચે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ખોટો દુરુપયોગ કરીને બીજાં સિમકાર્ડ એક્ટિવ કરવાનાં રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના નરોડામાં આવેલી મોબાઇલ સ્ટોરની દુકાનમાં જ્યારે ગ્રાહક સિમકાર્ડ ખરીદવા માટે જતો હતો ત્યારે સ્ટોરનો માલિક ગ્રાહકની જાણ બહાર બીજું સિમકાર્ડ એક્ટિવ કરી દેતો હતો. મોબાઇલ સ્ટોરના માલિકે 100થી વધુ સિમકાર્ડ બારોબાર એક્ટિવ કરી દીધાં હોવાનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચે એક બાદ એક આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે નરોડામાં આવેલી એક મોબાઇલ શોપનો માલિક ગ્રાહકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને બીજા સિમકાર્ડ એક્ટિવ કરીને તેને ઊંચા ભાવે વેચી રહ્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલીક બાતમી વાળી જગ્યાએ પહોંચી ગઈ હતી. માછલી સર્કલ પાસે દરબારવાસમાં મોબાઇલની દુકાનમાં ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ કરી દીધી હતી. ક્રાઇમ બ્રાંચે મોબાઇલ સ્ટોરના માલિક હંસરાજસિંહ પરમારની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરી હતી.
હંસરાજસિંહ પરમારે પુછપરછમાં જણાવ્યું હતું કે તે એક વર્ષથી મોબાઇલ સ્ટોર ચલાવે છે અને તેની દુકાનમાં જે ગ્રાહક સિમકાર્ડ લેવા માટે આવે છે તેના નામ પર એક નહીં બે સિમકાર્ડ ખરીદી લેવામાં આવે છે. ગ્રાહકને એક સિમકાર્ડ આપી દેવામાં આવે છે જ્યારે બીજું સિમકાર્ડ તે પોતાની પાસે રાખે છે. ગ્રાહક નવું સિમકાર્ડ લેવા માટે હંસરાજના સ્ટોર પર જાય તો તે ગ્રાહકના આધાર પુરાવા, ફિંગરપ્રિન્ટ, તથા લાઇવ ફોટો લેતો હતો. ડોક્યુમેન્ટ બાદ હંસરાજ ગ્રાહકને નવું સિમકાર્ડ આપતો હતો. આ ડોક્યુમેન્ટના આધારે નવું સિમકાર્ડ એક્ટિવ કરી દેતો હતો. સિમકાર્ડ એક્ટિવ કર્યા બાદ તે વિશાલસિંહ વાઘેલા અને પ્રવીણ પરમારને 400થી 500 રૂપિયામાં વેચી દેતો હતો.
ક્રાઇમ બ્રાંચે હંસરાજ, પ્રવીણ અને વિશાલસિંહ વાઘેલા વિરુદ્ધ ચીટિંગ તેમજ કાવતરાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઇમ બ્રાંચે હંસરાજની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી. જ્યાં તેણે જણાવ્યું છે કે તેણે 100થી વધુ સિમકાર્ડ ગ્રાહકની જાણ બહાર નવા ખરીદી લીધાં છે. ગ્રાહકના ડોક્યુમેન્ટ તેમજ ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરીને 100થી વધુ સિમકાર્ડ ખરીદી લીધા છે અને ઊંચા ભાવે તેને વેચી દીધાં છે. હંસરાજે ક્યા ગ્રાહકોના નામે બીજાં સિમકાર્ડ એક્ટિવ કરી દીધાં છે તે મામલે સઘન તપાસ શરૂ કરી છે.
દારૂની હેરફેર, આતંકી પ્રવૃત્તિ, ડ્રગ્સની તસ્કરી, લૂંટ, ખંડણી માગવા જેવા અનેક ગુનામાં ગુનેગાર ડમી સિમકાર્ડનો ઉપયોગ કરતા હોય છે. હંસરાજે ગ્રાહકની જાણ બહાર નવાં સિમકાર્ડ ખરીદવાનું કારણ શું છે તે તપાસમાં સામે આવશે પરંતુ જે 100થી વધુ સિમકાર્ડ એક્ટિવ થયાં છે તે ક્યાંકને ક્યાંક ગુનાખોરીમાં વપરાયાં હોઇ શકે છે. કોઇ યુવતીઓને હેરાન પરેશાન કરવી હોય તો પણ બીજાનાં નામે સિમકાર્ડનો ઉપયોગ થાય છે. પોલીસે દરેક દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500