ગુજરાતમાં પોલીસે વ્યાજ ખોરોના ત્રાસની મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગૃહ વિભાગની સુચના બાદ દરેક જિલ્લામાં લોકોની ફરિયાદ લેવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના લવાણા ગામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે.
લવાણા ગામના ગેરેજ માલિકે નવ માસ પહેલા રુ.60 હજારના એક મહિનાનું 12,500 મુજબ ઉંચા વ્યાજ સાથે રુ.1.85 લાખ પરત કર્યા હતા. છતા 70,000 રુપિયા બાકી હોવાનું કહીને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હતો.બે દિવસ પહેલા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી વ્યાજના પૈસા વસૂલવા ગેરેજ પર આવી બળજબરી પૂર્વક રૂ.60 હજારનું બાઇક પડાવી લીધુ હતું. પીડિતે લાખણીના લવાણા ગામના કિરણ રાજપૂત નામનાં વ્યાજખોર વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પણ બનાસકાંઠાના વડગામમાં પોલીસે વધુ બે વ્યાજખોરોને ઝડપ્યા હતા. પરેશ સોની અને દિલીપ સોની નામના વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બંન્ને વ્યાજખોરો વિરુદ્ધ 39 જેટલી ફરિયાદ મળી ચૂકી હતી. પોલીસે વ્યાજખોરોના ઘરે સર્ચ કરી 100 કોરા ચેક, 48 પ્રોમિસરી નોટ, 11 નોટરી કરાર, 2 લાખ રોકડા જપ્ત કર્યા હતા. આ સાથે પોલીસે સહી-અંગુઠા કરેલી કોરી પ્રોમિસરી નોટ તથા 10 લોકોની કોરા કાગળ પર સહીઓ પણ કબજે કરી હતી. હાલ તો પોલીસે બંન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
થોડા દિવસ અગાઉ મહીસાગર જિલ્લા પોલીસના લોક દરબારમાં 12 વ્યાજખોરો સામે અરજીઓ મળતા ગુનો નોંધવામાં આવ્યો હતો. કડાણાના વ્યાજખોર કિરીટ પરમારે એક શિક્ષકને 80 હજાર રૂપિયા આપ્યા હતા. જેની સામે 2.15 લાખ રૂપિયાની રકમ પડાવી હતી. આ ઉપરાંત વધુ રૂપિયાની માગણી કરતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. કિરીટ પુવારના ઘરેથી મળેલા દસ્તાવેજોની પણ તપાસ શરૂ કરાઈ હતી. જેમાં કોઈ અન્ય લોકો પાસેથી વ્યાજ પડાવ્યું કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500