પેટ્રોલનાં ભાવ વધવાથી સમગ્ર વિશ્વ મોંઘવારીની ઝપેટમાં છે. અમેરિકામાં પણ મોંઘવારી વધી રહી છે, પરંતુ ઓઇલના નિકાસકાર તેના ઉત્પાદનમાં કોઈપણ પ્રકારનો વધારો કરવા માટે આતુર નથી. વિશ્વમાં ઓઇલના મોટા ઉત્પાદકોમાં એક સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ઓઇલની વધતી કિંમતને રોકવા માટે કોઈ પગલાં નહી લે. તે માને છે કે, પુરવઠા મોરચે કોઈ તકલીફ નથી તો પછી ઉત્પાદન કેમ વધારાય. સાઉદી અરેબિયાના પ્રિન્સ ફૈસલ બિન ફરહાને ઉત્પાદન વધારવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા જણાવ્યું છે કે, તેલમાં કોઈ કમી નથી તો પછી તેના ઉત્પાદનમાં કયા આધારે વધારો કરવામાં આવે.
પ્રિન્સ ફરહાને મંગળવારે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ ત્યાં સુધી તેલમાં કોઈ કમી નથી. સાઉદી અરબ આ મોરચે જે કરી શકતું હતુ તે તેણે કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયા વિશ્વનું સૌથી મોટું ઓઇલ નિકાસકાર છે. માર્ચમાં આઇઇએએ તેલની કિંમતો પર અંકુશ લગાવવા માટે સ્ટોકમાંથી વધારે ઓઇલ જારી કરવા દસ સૂત્રીય યોજના તૈયાર કરી હતી. વિશ્વમાં ઓઇલની કિંમતમાં ઉછાળાનું કારણ યુક્રેન-રશિયા યુદ્ધ છે. યુક્રેન પર આક્રમણના લીધે રશિયા પર આકરા પ્રતિબંધ લગાવવામાં આવતા વૈશ્વિક બજારમાં તેલમાં ઘટાડો થયો છે.
ઓઇલના ભાવ ગયા વર્ષની તુલનાએ 70 ટકા વધ્યા છે. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 110 ડોલર હતુ અને રશિયા-યુક્રેન યુદ્ધ પછી તેમા 20 ટકા વધારો થયો છે. સાઉદીના મંત્રીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સ્પષ્ટ કરી દીધું હતું કે, અમારી સમીક્ષા છે કે, વાસ્તવમાં ઓઇલનો પુરવઠો સંતુલિત છે. પણ અમારી સામે જે તકલીફ છે તે ક્રૂડ ઓઇલને બજારમાં લાવવા કરતાં પણ વધારે મુશ્કેલ છે. ક્રૂડ ઓઇલના વધેલા ભાવે ભારત અને અમેરિકા સહિત અનેક દેશોમાં મોંઘવારી વધારી છે.
અમેરિકામાં એપ્રિલમાં મોંઘવારી દર 8.3 ટકા હતો. જ્યારે ભારતમાં 7.8 ટકા હતો. મોંઘવારીની સ્થિતિ આગળ જઈને વધુ ગંભીર થઈ શકે છે. આઇઇએના ડાયરેક્ટર ફાતિહ બિરોલે પણ ચેતવણી આપી છે કે ઉનાળામાં તેલની વધતી માંગ મંદીનું કારણ બની શકે છે. તેમણે જણાવ્યું હતું કે ઉનાળામાં ઓઇલની માંગ સામાન્ય રીતે વધે છે. વૈશ્વિક ઊર્જા બજારમાં ઓઇલની વધતી કિંમતો રોકતા દરેક દેશે ફાળો આપવો જરુરી છે. પ્રિન્સ ફેસલનો તર્ક છે કે, ઓઇલના પુરવઠાની નહી પણ તેના રિફાઇનિંગની ક્ષમતાની સમસ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં રિફાઇનિંગ ક્ષમતા વધારવા ઘણું ઓછું રોકાણ કરાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500