સુરત શહેરનાં સારોલી પોલીસની ટીમે શહેરમાં નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે, એક કારમાં અમુક શખસો સોનું લઈ જઈ રહ્યાં છે. પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે શંકાસ્પદ કારને ઊભી રાખવામાં આવી હતી. જેમાં તપાસ કરતા કાચા સોનાના નાના-મોટા ટુકડા, ભૂકો અને બિસ્કીટ થઈને કુલ 14 કિલોગ્રામ 700 ગ્રામ સોનું મળી આવ્યું હતું. સારોલી પોલીસે 8.57 કરોડ રૂપિયાનું સોનું સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો અને બે શખસોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી.
મળતી માહિતી મુજબ, સુરતમાં સારોલી પોલીસની ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ નજીક શંકાસ્પદ કારમાં ચેકિંગ કર્યું. પોલીસે કાર ચાલક સહિતના બંને શખસોમાં હિરેન ભરતભાઈ ભટ્ટી અને મગન ધનજીભાઈ ધામેલીયાને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. જેમાં સોનું અંગે કોઈ પૂરાવા ન મળતા પોલીસે સોનાના નાના-મોટા ટુકડા અને બિસ્કીટ મળીને કુલ 8.57 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યાં મુજબ, કારમાં સવાર બંને શખસોના પેન્ટ-શર્ટમાંથી એક પ્લાસ્ટિકની થેલી મળી હતી. જેમાંથી સોનાના 8 પેકેટ મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 14 કિલો 700 ગ્રામ વજનનું સોનું સહિત બે મોબાઈલ ફોન અને કાર થઈને કુલ 8.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500