Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો : ૪.૭૩ મિલીયન એકર ફૂટ જીવંત જથ્થો એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ

  • September 18, 2023 

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ “મા નર્મદા”ના નીરના વધામણા રવિવારે વહેલી સવારે એકતાનગર સરદાર સરોવર ડેમ પર પહોંચીને કર્યા હતા. વૈશ્વિક નેતા સૌના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જન્મદિનની શુભકામના પાઠવી હતી. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯, ર૦ર૦ અને ૨૦૨૨ પછી આ વર્ષે પણ ૨૦૨૩માં પૂર્ણ જળાશય સપાટીએ ફરી એકવાર છલકાયો છે.



એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીના વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. પાણીનો આ આવરો થવાથી રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં નર્મદા કમાન્ડ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈ અને પીવાનું પાણી નર્મદાનું પર્યાપ્ત પાણી મળી રહેશે. આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે કચ્છ સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદાના જળ આપવામાં આવી રહ્યા છે.



અમૃત સરોવર અને રાજ્યના ગામોના તળાવોમાં જળ સંગ્રહ કરવામાં આવશે. ગુજરાતના ૯૧૦૪ ગામો, ૧૬૯ શહેરો અને ૭ મહાનગરપાલિકા મળી રાજ્યની ૪ કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે. એટલું જ નહિ, ૬૩,૪૮૩ કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે, તેના પરિણામે કચ્છ સહિત રાજ્યના ૧૭ જિલ્લાના ૭૮ તાલુકાની ૧૬.૯૯ લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે. નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતાનગરથી ૭૪૩ કિ.મીટરની યાત્રા પૂરી કરીને કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે.



વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧૪ માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ આ બહુહેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્જવળ ભાવિની દિશા આપી હતી. રાજ્ય સરકારે પણ મંજૂરી મળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધની પૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં ૭ મહિના વહેલું પુર્ણ કરી દીધું હતું. વડાપ્રધાનશ્રીના જ વરદ્ હસ્તે તા.૧૭મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે. વર્ષ ર૦૧૯માં નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા. ૨૦૧૯, ર૦ર૦ અને ૨૦૨૨માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ર૦ર૩માં ચોથીવાર ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન-અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application