Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારાના નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નવીન એમ્બયુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

  • March 12, 2024 

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાજ્ય મંત્રી શ્રીમતી ડો.ભારતી પવાર, તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડકના અધ્યક્ષતામાં સાપુતારાના નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નવીન એમ્બયુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકાર્પણ પ્રંસગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ ડો.ભારતી પવારે જણાવ્યું હતું કે, આધુનિક સુવિધાઓથી સજ્જ, ગામમાં જ આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય, તેમજ ગામના લોકોને દૂર સુધી જવુ નાં પડે તે હેતુસર તમામ સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગ નિર્માણ પામી છે. ત્યારે આ બિલ્ડીંગની જાળવણી કરવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. અહીં તમામ સુવિધાઓનાં સૂચક બોર્ડ લગાવવા પણ મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. સારું કામ કરવા સારી હેલ્થ જરૂરી છે ત્યારે દેશના દરેક ખૂણાઓમાં દેશના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીએ આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની નેમ લીધી છે.


દરેક રાજ્યમાં એમ્સ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. હાલ દેશમાં ૨૨ એમ્સ હોસ્પિટલ તૈયાર થઈ રહ્યા છે. સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ રૂ.૫ લાખ સુધીની સારવાર વિના મુલ્યે થાય છે. તેમજ અત્યાધુનિક લેબ રિપોર્ટ વગેરે સરકારી હોસ્પિટલોમાં થાય છે. દેશના લોકોને મોદીની ગેરંટી ઉપર વિશ્વાસ છે તેમ કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. કોરોના કાળમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશની સેવામા કાર્યરત આશા બહેનો માટે સરકાર દ્વારા રૂપિયા ૫ લાખનો વીમો જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય, તે માટે આરોગ્યનાં બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ મેડિકલ કોલેજની સીટોમાં પણ ૧ લાખ જેટલી સીટોનો વધારો કરવામાં આવ્યો છે. જે બદલ કેબિનેટ કક્ષાના કેન્દ્રીય મંત્રીનો મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.


વિકસિત ભારતની પરીકલ્પના પુર્ણ કરવા યુવાનોને સ્ટાર્ટ અપ જેવી યોજનાઓમાં જોડાવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું. તેમજ ૩૦ વર્ષથી વધુ વયના લોકોએ નિયમિત ડાયાબિટીસ, ટી.બી. સ્ક્રીનિંગ વગેરે શારીરિક ચેકઅપ કરવા અત્યાધુનિક સુવિધાઓનો લાભ લેવા પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સાપુતારા સહિત પ્રવાસીઓને પણ આરોગ્ય સેવાઓને લાભ મળવાનો છે તેમ, વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું. સંસદ સભ્ય જોગવાઈ (લોકસભા) વર્ષ ૨૦૨૧-૨૨માંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાપુતારાને કુલ રૂપિયા ૧૮.૩૧ લાખના ખર્ચે નવીન એમ્બયુલન્સ વાન ફાળવવામાં આવી છે. આ એમ્બયુલન્સનાં આવવાથી સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવિષ્ટ કુલ ૮ પેટા આરોગ્ય કેન્દ્રનાં ૩૩ ગામોની આશરે ૩૦ હજાર વસ્તીને ઇમરજન્સી સેવાનો લાભ ઘર આંગણે મળી રહેશે તેમ શ્રી વિજય પટેલે જણાવ્યું હતું. દેશની સરકાર દરેક ક્ષેત્રે વિકાસ કરવા કટિબદ્ધ છે.


તેમજ સાપુતારા સર્કિટ હાઉસ માટે રૂપિયા ૨૭ કરોડ પણ મંજુર કરાયા છે, તેમ શ્રી વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું. સાપુતારા ખાતે રૂપિયા ૧ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે હેતુથી, ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરવાળું આરોગ્ય કેન્દ્ર ખાતા દ્વારા મળેલ ટાઈપ ડિઝાઇન મુજબના આયોજન સાથે બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય રૂપે માઈનર ઓપરેશન થીયેટર, પ્રિ ઓપરેશન રૂમ, લેબર રૂમ વિથ બેબી રૂમ, ઇન્ડોર દર્દીઓ માટે કુલ ૧૨ બેડ સુવિધાયુક્ત સ્ત્રી - પુરુષ વોર્ડ વિથ ટોયલેટ બાથરૂમ, અધ્યતન લેબોરેટરી, ડ્રેસિંગ અને ઈન્જેકશન રૂમ, ડીસ્પેન્સરી, કેસ રજીસ્ટર રૂમ, મેડિકલ ઓફિસર, ડોક્ટર આયુષ રૂમ, ઓફિસ અને મેડિકલ સ્ટોર, નર્સીંગ સ્ટેશન વગેરે તમામ ૧ યુનિટ ધરાવતા આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application