સાબરમતી નદીને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી દેશની સૌથી પ્રદૂષિત નદી બની છે. જ્યારે દેશની ટોચની ત્રણ પ્રદુષિત નદીઓમાં ગુજરાત રાજ્યની બે નદીઓનો સમાવેશ થયો છે. સંસદમાં જળ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
તંત્રના દાવા-વાયદા પોકળ સાબિત થયા
નોંધનીય છે કે, અમદાવાદની આગવી ઓળખ અને ધરોહર સાબરમતી નદી દિન-પ્રતિદીન પ્રદૂષિત થઈ રહી છે. એક તરફ તંત્ર દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે તંત્ર દ્વારા કરવામાં આવતા દાવા અને વાયદા પોકળ સાબિત થયા છે.કેન્દ્ર સરકારના જળ મંત્રાલય દ્વારા સંસદમાં ગુજરાતની નદીઓને લઈ ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ટોચની 3 પ્રદુષિત નદીઓમાં રાજ્યની બે
સંસદમાં જળ મંત્રાલયે જણાવ્યું કે, દેશની કુલ 311 નદીઓ હાલ પ્રદૂષિત છે, જેમાં ગુજરાતની 13 નદીઓ સામેલ છે. જળ મંત્રાલયે જણાવ્યું કે,દેશની ટોપ ત્રણ પ્રદૂષિત નદીઓમાં ગુજરાત રાજ્યની બે નદીઓ સામેલ છે, જ્યારે સાબરમતી નદી દેશની સૌથી પ્રદૂષિત નદી છે. સાબરમતી નદીમાં ઓક્સિજનની માત્ર 292 જોવા મળી છે. જણાવી દઈએ કે સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પણ ઘણીવાર તંત્ર અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે,પરંતુ તેમ છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે હવે સાબરમતી નદી પ્રદૂષણના મામલે દેશમાં ટોચના સ્થાને પહોંચી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500