ઉચ્છલ ખાતેની માં દેવમોગરા સરકારી કોલેજમાં અભ્યાસ કરતાં અંદાજિત 200 કરતાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. બસ શરૂ કરવાની માંગણીના અનુસંધાને ઉચ્છલ ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જોકે સોનગઢ એસ.ટી. બસ ડેપોના મેનેજરે તેમની માંગણી બાબતે આજરોજ સુધીમાં યોગ્ય કરવા માટે ખાત્રી આપતાં આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. ઉચ્છલ ખાતેની સરકારી કોલેજમાં રૂમકી તળાવ અને ફૂલ ઉમરાણ ગામ અને તેની નજીકના ગામડા માંથી સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ અભ્યાસ અર્થે આવે છે. જોકે આ વિદ્યાર્થીઓને પોતાના ગામથી કોલેજ સુધી આવવા જવા માટે એસ.ટી. બસની પૂરતી સગવડ ન હોવાથી અભ્યાસ પર માઠી અસર થઈ રહી છે.
આ અંગે કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એવી એન.એસ.યુ.આઈ. દ્વારા ગત તારીખ 18મી સપ્ટેમ્બરના દિવસે મામલતદાર ઉચ્છલને લેખિત રજુઆત કરી ઉચ્છલથી ફૂલ ઉમરાણ અને રૂમકીતળાવથી ઉચ્છલ સુધીની બસ શરૂ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમની માંગણી અંગે યોગ્ય ન કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન માટેની પણ ચીમકી આપવામાં આવી હતી. આ આધારે ઉચ્છલથી ફૂલ ઉમરાણ સુધીની બસ શરૂ પણ થઈ હતી પણ માત્ર બે દિવસ પછી ફરીથી એ ટ્રીપ બંધ કરી દેવામાં આવી હતી અને હાલમાં પણ એ બસ રૂટ બંધ જ પડ્યો છે. આખરે ઉચ્છલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે યુવક કોંગ્રેસના પ્રમુખ અને એન.એસ.યુ.આઈ. સહિતના લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં.
તેમણે પોતાની માંગણીના સમર્થનમાં ઉચ્છલ ખાતેના ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે પર શનિવારનાં રોજ સવારે રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને જે કારણે એસ.ટી. બસ સહિતના વાહનો સ્થળ પર જ થંભી ગયાં હતાં. આ આંદોલન સંદર્ભે ઉચ્છલ પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને તેમણે મધ્યસ્થી કરી આંદોલનકારી વિદ્યાર્થીઓ અને એસ.ટી. બસ ડેપોના મેનેજર વચ્ચે ટેલિફોનિક વાત કરાવી હતી. સોનગઢ ડેપો મેનેજરે નવી બસ શરૂ કરવા અંગેની બાબતે આજરોજ સુધીનો સમય માંગતા આંદોલનકારી ઓ સહમત થઈ ગયાં હતાં અને હાલ પૂરતું આંદોલન સમેટી લીધું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500