ઉત્તરપ્રદેશનાં હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગની ઘટના અંગે SITએ 300 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો છે. બીજી જુલાઈએ સાકર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં 121 લોકો માર્યા ગયા હતા. એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, સત્સંગનું આયોજન કરતી સમિતિની બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે. આ ઉપરાંત વહીવટીતંત્ર પર પણ સવાલો ઉભા થયા છે. જોકે રિપોર્ટમાં ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ નથી.
માહિતી અનુસાર, SITનાં આ રિપોર્ટમાં 119 લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. તપાસ ટીમમાં એડીજી આગ્રા ઝોન અનુપમ કુલશ્રેષ્ઠ અને અલીગઢના કમિશનર ચૈત્રા વી. સામેલ હતા. આ સિવાય સત્સંગમાં મૃતકોના સ્વજનો અને ઈજાગ્રસ્ત ભક્તોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અહેવાલમાં સત્સંગનું આયોજન કરતી સમિતિએ મંજૂરી કરતાં વધુ લોકોને બોલાવવા, અપૂરતી વ્યવસ્થા તેમજ પરવાનગી હોવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળ પર નિરીક્ષણ ન કરવું, ઘટના માટે જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશનાં હાથરસ જિલ્લામાં બીજી જુલાઈના રોજ બાબાના સત્સંગમાં થયેલી નાસભાગમાં 121થી વધુ લોકોના મોત થયા હતા.
મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે 17 લોકો સામે FIR નોંધીને તપાસ પણ શરૂ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500