સર્ચ ઓપરેશન દરમિયાન જમ્મુ કાશ્મીર સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન એજંસી(એસઆઈએ)ને મોટી સફળતા હાથ લાગી છે.એસઆઈએએ વધુ બે આતંકવાદીઓની ધરપકડ કરી છે, આ આતંકવાદીઓ ત્રણ દાયકાથી ફરાર હતા. બંનેએ પાકિસ્તાનમાં હથિયારોની તાલીમ લીધી હતી. બંનેએ નેવુંના દાયકામાં ડોડા વિસ્તારમાં આતંકવાદ ફેલાવવામાં સક્રિય ભાગ લીધો હતો. એજંસીને છેલ્લા ત્રણ દિવસમાં ડોડામાંથી 10 ભાગેડુ આતંકવાદીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે.
પકડાયેલા ભાગેડુ આતંકવાદીઓમાં મોટાભાગના ડોડાના રહેવાસી છે.દરમિયાન જમ્મુ કાશ્મીરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં મહત્વપૂર્ણ ઘટાડો નોંધાયો છે.આ સાથે સક્રિય આતંકવાદીઓની સંખ્યા પણ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે છે. અમે બચેલા આતંકવાદઓને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છીએ.
ધરપકડ કરાયેલા બે આતંકવાદીઓની ઓળખ ફિરદૌસ અહેમદ વાની અને ખુર્શીદ અહેમદ મલિક તરીકે થઈ છે. જમ્મુ અને કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવા માટે, એસઆઈએ દ્વારા ભાગેડુ આતંકવાદીઓને ઓળખવા, તેમની ધરપકડ કરવા અને તેમને કોર્ટમાં રજૂ કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેથી તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે.એસઆઈએએ આતંકવાદની 327 ઘટનાઓમાં સામેલ 734 ભાગેડુ આતંકવાદીઓની માહિતી મેળવી છે. જેમાંથી 417 કાશ્મીર અને 317 જમ્મુના છે. અત્યાર સુધીમાં આમાંથી 369 આતંકવાદીઓની ઓળખ થઈ ચૂકી છે. જેમાંથી 215 જમ્મુના અને 154 કાશ્મીરના છે. જે આતંકીઓની ઓળખ કરવામાં આવી છે તેમાંથી 80ના મોત નીપજ્યા છે.45 આતંકવાદીઓ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહે છે. ચાર જેલના સળિયા પાછળ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500