Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

SBIએ જાહેર કર્યું સર્ક્યુલર, રૂપિયા 2,000ની નોટ બદલવા માટે કોઈ ફોર્મ ભરવું નહીં પડે તેમજ ઓળખ કાર્ડ પણ સાથે રાખવાની જરૂર નથી

  • May 22, 2023 

ભારતીય રિઝર્વ બેન્કે રૂપિયા 2,000ની નોટ બજારમાંથી પાછી ખેંચ્યા પછી તેને બદલવા અંગે લોકો ભારે અસમંજસમાં છે અને બજારમાં તે અંગે અનેક અટકળો ફેલાઈ રહી છે. જોકે, મંગળવારથી લોકો બેન્કોમાં લાઈન લગાવે તે પહેલાં SBIએ આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં નોટબંધી લાગુ કરી હતી. ત્યારે રૂપિયા 500 અને રૂપિયા 1,000ની નોટો બદલવા માટે લોકોએ ફોર્મ ભરવું પડતું હતું અને ઓળખકાર્ડ પણ બતાવવું પડતું હતું. તેથી આ વખતે પણ લોકોમાં એવી અટકળો ફેલાઈ છે કે 2,000 રૂપિયાની નોટો બદલવા માટે ફોર્મ ભરવું પડશે તથા ઓળખકાર્ડ પણ સાથે રાખવું પડશે.






સોશિયલ મીડિયામાં એક ફોર્મ પણ ફરતું થયું છે, જે RBI દ્વારા જારી કરાયું હોવાનો દાવો થઈ રહ્યો છે. લોકોમાં ફેલાયેલી અટકળો અને અસમંજસને દૂર કરતાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ રવિવારે એક સર્ક્યુલર જાહેર કર્યો છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે રૂપિયા 2,000ની નોટો બદલવા માટે કોઈ ફોર્મ ભરવું નહીં પડે કે કોઈ ઓળખ કાર્ડ સાથે રાખવાની જરૂર નથી. SBIની કોઈપણ શાખામાં રૂપિયા 20,000ની મર્યાદા સુધીમાં રૂપિયા 2,000ની 10 નોટો બદલાવી શકાશે અને તેના માટે કોઈ ચાર્જ પણ વસૂલવામાં નહીં આવે. સૂત્રોનાં જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ દિવસમાં ગમે તેટલી વખત લાઈનમાં ઊભા રહીને રૂપિયા 2,000ની નોટો બદલાવી શકે છે.






પરંતુ તેને દરેક વખતે રૂપિયા 20,000 સુધીની મર્યાદામાં જ નોટ બદલી આપવામાં આવશે. SBIએ જણાવ્યું છે કે, જે ગ્રાહકોનું બેન્કમાં ખાતું નહીં હોય તેઓ પણ તેમની નજીકની શાખામાં જઈને રૂપિયા 2,000ની નોટો બદલાવી શકશે. જોકે, જે ગ્રાહકોએ તેમના બેન્ક ખાતામાં નાણાં જમા કરાવવાના હશે તેમણે માત્ર કેવાયસીના માપદંડોનું પાલન કરવું પડશે. RBIએ શુક્રવારે રૂપિયા 2,000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી ત્યારે જ જણાવ્યું હતું કે, તારીખ 23 મેથી 30 સપ્ટેમ્બર સુધીમાં કોઈપણ બેન્કમાં જઈને રૂપિયા 2,000ની નોટ બદલાવી શકાશે. બેન્કમાં રૂપિયા 2,000ની નોટો ખાતામાં જમા કરાવવી હોય તો કોઈ વધારાનું ફોર્મ ભરવાની જરૂર નહીં રહે.






અગાઉની જેમ 50,000  રૂપિયા સુધીની રકમ ખાતામાં જમા થઈ શકશે. જોકે, RBIની જાહેરાત પછી શનિવારે અનેક લોકો રૂપિયા 2,000ની નોટો બદલવા બેન્કોમાં દોડી ગયા હતા, જેમને બેન્ક કર્મચારીઓએ 23મીથી નોટ બદલવાનું શરૂ થશે તેમ સમજાવી પાછા મોકલ્યા હતા. કેટલીક જગ્યાએ લોકોએ શનિવારે તેમના ખાતામાં રૂપિયા 2,000ની નોટો જમા કરાવવા કેશ ડિપોઝિટ મશીનનો ઉપયોગ કર્યો હતો, જ્યારે કેટલાકે સોના-ચાંદીના ઘરેણાં ખરીદવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application