સેલવાસનાં આમલી વિસ્તારમાં આવેલી એક જ્વેલરી શોપમાં ત્રાટકેલા અજાણ્યા 2 બુકાનીધારી લૂંટારૂઓએ બંદૂકની અણીએ શોપમાંથી રોકડ અને દાગીનાં મળી આશરે 1.50 લાખની લૂંટ ચલાવી શોપની બહાર પહેલાથી ઉભેલા ત્રીજા લૂંટારૂ સાથે બાઇક પર ભાગી છૂટ્યા હતા. જોકે દિન દહાડે બનેલી લૂંટની આ ઘટનાથી આ વિસ્તારમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર, સેલવાસનાં આમલી વિસ્તારમાં હોરીઝન ટાવરમાં આવેલી આભૂષણ નામની સોના-ચાંદીની દુકાન બહાર ગતરોજ બપોરે 3 કલાકે ત્રણ લૂંટારૂ બાઈક પર આવ્યા હતાં. જેમાંથી એક બાઈક પર જ બહાર ઉભો હતો અને બે ચહેરા પર માસ્ક પહેરી અને માથે રૂમાલ બાંધી દુકાનમાં ઘૂસ્યા હતાં.
જેમાંથી એક લૂંટારૂઓએ બંદૂક કાઢી દુકાનમાં બેસેલા યુવકનાં માથા ઉપર મુકી અને બીજા લૂંટારૂએ દુકાનમાંથી સોનાનું એક મંગળસૂત્ર સહિતનાં દાગીનાં અને કાઉન્ટરમાં જે રોકડ રકમ હતી એ કાંઢી લીધી હતી. ત્યારબાદ બંને લૂંટારૂ બહાર રાહ જોતા બાઇક સવાર ત્રીજા લૂંટારૂ સાથે ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા દુકાનનાં માલિક દિપક કોઠારી સ્થળ પર પહોંચી પોલીસને પણ જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ સહિતની પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે રૂપિયા 1.50 લાખની લૂંટ થઇ હોવાની જાણકારી મળી છે. જયારે સેલવાસમાં દિન દહાડે લૂંટની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
વધુમાં દુકાનનાં માલિક દિપક કોઠારીનાં જણાવ્યા અનુસાર, બપોરે પોણા ત્રણ વાગ્યાની આ ઘટનામાં બે લૂંટારૂ દુકાનમાં ઘૂસ્યા હતા અને અમારી દુકાનમાં કામ કરતા માણસનાં માથા પર એક લૂંટારૂએ સીધી બંદૂક મૂકી દીધી હતી. ત્યારબાદ દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઇ દુકાન બહાર ઉભેલા ત્રીજા લૂંટારૂ સાથે બાઈક પર ભાગી ગયા હતા. લૂંટની આ ઘટના દુકાનમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થઇ હોવાથી પોલીસે તેના ફૂટેજ મેળવી આગળની વધુ તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500