ગુજરાતમાં હાલના દિવસોમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ચિંતાજનક સ્તરે વધારો નોંધાયો છે. જેને લઈને સરકારી તંત્રની સાથે જ મેડિકલ જગતના તબીબો અને સામાન્ય જનતા સૌ કોઈના મનમાં એક ભયની લાગણી વ્યાપી ગઈ છે. ખાસ કરીને નાની વયના લોકોમાં હાર્ટએટેકનું વધતું પ્રમાણ ભયજનક છે. આવી જ એક ઘટના સુરતમાં બનવા પામી છે. જેમાં એક કિશોરનું મૃત્યુ થયું છે.
આ ઘટનાની માહિતી પ્રમાણે માંગરોળના ઈસનપુર ગામે રહેતા એક કિશોરનું હાર્ટએટેકથી મોત થયું છે. આ કિશોરનું નામ હેનિલ ભૂપેન્દ્ર ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. તે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તે ખુરશીમાં બેઠો હતો ત્યારે અચાનક જ ઢળી પડ્યો હતો. પરિવારજનોએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ તે ઉઠ્યો નહોતો ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જો કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતા કિશોરનું આટલી નાની વયે અચાનક મોત થતાં પરિવાર સહિત સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં શોક વ્યાપી ગયો હતો. આ ઉપરાંત હાલમાં જ સુરત જિલ્લામાં બે યુવકોના હાર્ટએટેકથી મોત થયું હોવાની જાણકારી સામે આવી હતી. હાર્ટ એટેકની વધતી જતી ઘટનાઓના પગલે હાલમાં સુરત શહેર અને જિલ્લાની જનતામાં ભયની લાગણી વ્યાપી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application