જીવનમાં કયારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે, આપણે કોઈ જરૂરિયાતમંદને કરેલી નાની મદદ પણ મોટું પરિવર્તન લાવતી હોય છે. આજના આધુનિક જમાનામાં પારકા પરાયા થતા હોય છે, તેવા સમયે એક પ્રોફેસરે અજાણ્યા પિતાપુત્રીને પોતીકા બનાવી મુસીબતના સમયે આશરો આપીને સાચા અર્થમાં માનવતાની મહેંક ફેલાવી છે. અજાણ્યાને આશરો આપીને મુસીબતમાં મદદગાર બનેલા નિવૃત્ત પ્રોફેસરે તેમના ઘરે આશરો આપ્યો એ દિવ્યાંગ દીકરી રિન્કુ દેવાસી રાજયકક્ષાએ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ આવી ત્યારે સંવેદનાસભર કિસ્સા વિષે જાણ થતાં આજરોજ સવારે આ દીકરીના ઘરે જઈને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.
બીના એવી બની કે, સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની એવા જોરારામ દેવાસી પોતાની ૧૫ વર્ષીય દીકરી રિન્કુને રાજય સરકારના સ્પેશિયલ ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડની ફાઈનલ સ્પર્ધામાં ભાગ લેવાનો હોવાથી તા.૧૪મી મે-૨૦૨૨ના રોજ એસ.ટી.બસમાં સુરતથી અમદાવાદ જવા માટે એસ.ટી.બસમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે રિન્કુને ઉલટી થતા બાજુની સીટમાં બેસેલા નવીનભાઈ પટેલને બારી પાસે બેસવા દેવા વિનમ્રભાવે વિનંતી કરી.
વાતમાંથી વાત નીકળી એટલે જોરારામે નવીનભાઈને અમદાવાદ ક્યારે પહોંચાય, ત્યાં રિક્ષા ભાડું કેટલુ થાય એવી પૂછપરછ કરી. નવીનભાઈએ કહ્યું કે, બસ રાત્રે ૧.૩૦ વાગે અમદાવાદ પહોંચશે. દીકરી દિવ્યાંગતા ધરાવતી હોવાના કારણે જોરારામ ટેન્શનમાં આવી ગયા. ફરી પાછા પ્રશ્નો કરવા લાગ્યા કે, 'બસ સ્ટેશને સુવાય? અમે રાત્રે ગુજરાત યુનિવર્સિટી જતાં રહીએ તો ? ઓટો રિક્ષાવાળા બરાબર લઈ તો જાય ને? રીક્ષા મળી જાય રાત્રે?' ફાઇનલ સ્પર્ધાના એક દિવસ અગાઉ જ તબિયત બગડતા પિતાની ચિંતા વધી હતી, ત્યારે આવા પ્રશ્નો સાંભળીને નવીનભાઈએ ઘરે ફોન કરીને પત્નીને કાર લઈને સ્ટેશને લેવા માટે બોલાવ્યા. આગ્રહ કરીને દીકરી રિન્કુ અને પિતાને લઈને અડધી રાત્રે પોતાના ઘરે લઈ ગયા, રાત્રિનિવાસ માટે રૂમ આપ્યો અને ચા-ભોજન કરાવ્યા, દીકરી સ્વસ્થ થઈ હોવાથી સવારે ગુજરાત યુનિ.ખાતે ખેલમહાકુંભની સ્પર્ધામાં પિતાપુત્રીને મૂકવા પણ ગયા.
બીજા દિવસે તેઓને જાણ થઈ કે, જે દીકરીને હું મુકવા ગયો હતો તે દીકરી ૭૦ ટકા મનોદિવ્યાંગતા ધરાવે છે, અને રાજયકક્ષાએ ૨૦૦ મીટરની સ્પર્ધામાં પ્રથમ નંબર હાંસલ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમના આનંદનો કોઈ પાર ન રહ્યો.આ વાતની જાણ રાજ્યના રમતગમત અને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને એક લેખ મારફતે થતા તેઓએ આજરોજ દીકરી રિન્કુના ઘરે આવીને પિતા પુત્રી અને પ્રો.નવીનભાઈ પટેલને શુભકામનાઓ પાઠવી હતી.
પિતા જોરારામ વરાછા વિસ્તારની કમલપાર્ક સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં બે રૂમના ફલેટમાં ભાડે રહે છે. તેમણે કહ્યું કે, મારી બે દીકરી અને એક દીકરો છે. દીકરીઓ ભણી-ગણીને આગળ વધે તે માટે તનતોડ મહેનત કરૂ છું. રિન્કુ મારી મોટી દીકરી છે. અમારા સમાજમાં બાળલગ્નનો રિવાજ હોવાથી નાની દીકરીના લગ્ન માટે તેમના મામાએ દબાણ કરતા તેઓ સાથે તમામ સંબધોનો અંત આણ્યો છે. મારી દીકરીઓને ભણાવી ગણાવવાનો પ્રથમથી જ નિર્ધાર કર્યો છે. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે બનતા તમામ પ્રયાસ કરતો રહીશ.
આ મનોદિવ્યાંગ દીકરીએ વરાછાની સરકારી સુમન હાઈસ્કુલમાં ધો.૧ થી ૮નો અભ્યાસ કર્યો છે. હાલ તે ધો.૧૦માં સુમન-૨ શાળામાં અભ્યાસ કરી રહી છે. સ્કુલના સ્પોર્ટસ શિક્ષકશ્રી ભાવેશભાઈ બોરીચાએ કહ્યું કે, રિન્કુ ચોથા ધોરણથી જ દર વર્ષે સ્પેશિયલ મહાકુંભમાં ભાગ લઈ રહી છે. જીગ્નેશભાઈ ઠક્કર, વિમલભાઈ દેસાઈનો રમતગમત પ્રત્યે પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. સુમન શાળાના પ્રિતીબહેને કહ્યું કે, અમારી સરકારી શાળામાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં સાત બાળકો દિવ્યાંગ છે છતા અમે દિવ્યાંગ બાળકોને પણ પ્રોત્સાહન મળી રહે તેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા હોવાનું કહ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું કે, સમાજ સેવક એવા પ્રો.નવીનભાઈ પટેલ અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. અમદાવાદની જીએલએસ કોલેજમાંથી સાયકોલોજીના પ્રોફેસર તરીકે નિવૃત્ત થયેલા નવીનભાઈએ અનેકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. ૨૨ જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ દીકરા-દીકરીઓને પોતાના ખર્ચે ઘરે રાખીને અભ્યાસ કરાવ્યો છે. અન્યોને અવારનવાર આર્થિક મદદ પૂરી પાડી છે. એક વિદ્યાર્થીને ડોકટર બનાવવા માટે પોતાનું મકાન પણ ગીરવે મુકયું હતું. પોતાની આવકનો મોટાભાગનો ખર્ચ શિક્ષણ પાછળ કરી રહ્યા છે. રિન્કુ અને જોરારામને મદદ કરીને માનવતાની મહેંક પ્રસરાવી છે, જે બદલ તેમણે મક્કમ મનોબળ ધરાવનાર પિતાને અભિનંદન પાઠવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024