શહેરના ટ્રાફિક વિભાગ અને સ્મીમેર હોસ્પિટલના પીએસએમ વિભાગના સંયુક્ત ઉપક્રમે શહેરના રિક્ષાચાલકોમાં ફરજિયાતપણે માસ્ક પહેરવા તેમજ કોરોના સામે લડવા અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી સ્મીમેર હોસ્પિટલ ખાતે જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.
સુરત શહેર ટ્રાફિક વિભાગના આસિ. પોલીસ કમિશનરશ્રી ઝેડ.એ.શેખ, પીએસએમ વિભાગના પ્રોફેસર ડો.પવાર તથા રિક્ષા યુનિયનના ૩૫ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત ટ્રાફિક ડીસીપી તેમજ પીએસએમ વિભાગ દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા યોગ્ય કાળજી રાખવા અંગેની જાણકારી આપવામાં આવી હતી. ડો.હિરનેશ ભાવસાર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા મુદ્દા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. રિક્ષાચાલકોએ પણ ઉત્સાહપૂર્વક સહકાર આપી કોરોના સામે જાગૃત્ત થવાં અને અન્યને પણ જાગૃત્ત કરવાંની ખાતરી આપી હતી.
ટ્રાફિક એસોસિએશનના ૬૦,૦૦૦ જેટલા રિક્ષા ચાલકો અને તેમના પરિવાર સુધી કોરોના સામે રક્ષણ મેળવવા 'માસ્ક પહેરીશું અને કોરોનાને રોકીશું'ના મંત્ર સાથે સંકલ્પ લેવામાં આવ્યો હતો. યુનિયન પ્રતિનિધિઓ દ્વારા માત્ર તેમના ચાહકો માટે જ નહીં, પરંતુ પરિવાર અને સ્નેહીમિત્રો સુધી પણ આ સંદેશો પહોંચાડી સુરત શહેરને કોરોનાથી મુક્ત કરવા કટિબદ્ધ રહેશે તેવો સંકલ્પ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500