ખાદ્ય સામગ્રીનાં ભાવ ઘટવાને કારણે મે મહિનામાં રીટેલ ફુગાવો ઘટીને ૭.૦૪ ટકા થયો છે. જોકે રીટેલ ફુગાવો છેલ્લા પાંચ મહિનાથી RBIનાં સંતોષકારક સ્તરથી વધારે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો 7.79 ટકા રહ્યો હતો. જ્યારે મે, ૨૦૨૧માં રીટેલ ફુગાવો 6.3 ટકા રહ્યો હતો. મે, ૨૦૨૨માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 7.97 ટકા રહ્યો છે. જે એપ્રિલમાં 8.31 ટકા રહ્યો હતો તેમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાલુ મહિને નાણાકીય નીતિની સમીક્ષામાં ચાલુ વર્ષ માટે ફુગાવાના અંદાજને 5.7 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો છે. ઉલ્લેખનીય છે કે, RBI નાણાકીય નીતિની સમીક્ષા કરતી વખતે રીટેલ ફુગાવાને ધ્યાનમાં લેતી હોય છે. RBIનાં અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં 7.5 ટકા અને બીજા કવાર્ટરમાં ફુગાવો 7.4 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
જોકે RBIનાં અંદાજ મુજબ આ ફુગાવો ઘટીને ત્રીજા કવાર્ટરમા 6.2 ટકા અને ચોથા કવાર્ટરમાં 5.8 ટકા રહેશે. મે મહિનામાં ઘંઉ, ટામેટા, બટાકા અને અન્ય શાકભાજીનાં ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, આરબીઆઇએ મે મહિનામાં રેપો રેટમા 0.40 ટકા અને જૂન મહિનામાં બીજા 0.50 ટકાનો વધારો કરતા રેપોરેટ વધીને 4.90 ટકા થઇ ગયો છે.
RBIનાં અંદાજ મુજબ ચાલુ વર્ષના ડિસેમ્બર સુધીમાં ફુગાવો 6 ટકા રહેવાનો અંદાજ છે. સરકારે RBIને ફુગાવો ચાર ટકા (બે ટકાના વધઘટ) રાખવાની જવાબદારી સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કરતા પેટ્રોલ અને ડીઝલ સસ્તા થતાં રીટેલ ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500