કોરોના વાયરસના કારણે આખી દુનિયા પરેશાન છે ત્યારે વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસિન તરફથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સંશોધકોના કહેવા પ્રમાણે કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓનું શરીર હંમેશા કોરોના સામે લડતું રહી શકે છે. મતલબ કે તમારા શરીરમાં કોરોના વિરૂદ્ધની પ્રતિકારક શક્તિ એટલે કે એન્ટીબોડી હંમેશા બનતી રહેશે. સાથે જ કોરોના વાયરસ સામે સંઘર્ષ પણ કરતી રહેશે. સૌથી મોટા સમાચાર એ છે કે કોરોના સંક્રમણના પહેલા લક્ષણના 11 મહિના બાદ ફરી એન્ટીબોડી વિકસિત થઈ રહ્યા છે.
અમેરિકાના સેન્ટ લુઈસ ખાતે આવેલી વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસિનના સંશોધકોનો આ અભ્યાસ સાયન્સ જર્નલ નેચરમાં 24મેના રોજ પ્રકાશિત થયો હતો. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કોરોના સંક્રમણમાંથી સાજા થયાના કેટલાક મહિના બાદ પણ લોકોમાં કોવિડ-19 વાયરસ સામે લડવા માટેના એન્ટીબોડી સેલ્સ એટલે કે પ્રતિકારક કોષ કામ કરતા રહે છે.
નવાઈની વાત એ છે કે, આ એન્ટીબોડી આજીવન આપણા શરીરમાં રહી શકે છે. મતલબ કે વ્યક્તિના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન આ પ્રતિકારક ક્ષમતા બનતી રહેશે અને વ્યક્તિ કોરોના વાયરસ સામે સંઘર્ષ કરી શકશે. કોરોનાની પહેલી લહેર બાદ એવા સમાચાર આવ્યા હતા કે સંક્રમણ બાદ વધુ દિવસ સુધી એન્ટીબોડી શરીરમાં નથી રહેતા પરંતુ તે સાચું નથી. સંક્રમણ બાદ એન્ટીબોડી ઘટે છે અને ઈમ્યુનિટી નબળી પડે છે પરંતુ તે ફરી રિકવર થઈ જાય છે. આ પ્રકારના એન્ટીબોડી સેલ્સ આજીવન વ્યક્તિને કોરોના વાયરસ સામે બચવામાં મદદ કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500