Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાણામંત્રીનાં હસ્તે સુરત જિલ્લાનાં ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ-૨.૦’નું વિમોચન

  • April 08, 2023 

સુરત જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી સુરત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૦૨૩-૨૪ વર્ષના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ રૂા.૧૨.૩૩ કરોડના ૫૨૯ વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ નવ તાલુકાઓમાં રૂા.૧૦.૮૫ કરોડના ખર્ચે ૪૯૬ કામો, ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળ ૩૫ લાખના ખર્ચે જનહિતના ૧૩ વિકાસકાર્યો, ચાર નગરપાલિકાઓના કુલ રૂા.૧.૦૮ કરોડના ૧૯ જેટલા વિકાસકામો તેમજ ઉકાઈ અસરગ્રસ્ત હેઠળ ૫.૦૦ લાખના ૧ કામને બહાલી આપવામાં આવી હતી.






જયારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ખાસ પ્લાન યોજના હેઠળ ચોર્યાસી તાલુકામાં પાંચ લાખનું એક કામ જયારે ઓલપાડ તાલુકામાં પાંચ લાખના ચાર કામોને મંજુર કરાયા હતા. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ રૂ.૧.૫૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રી કનુભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ વર્ષના જેન્ડર બજેટમાં ડ્રીપ ઈરિગેશનને પ્રોત્સાહન માટે રૂા.૨૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે જે ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવે તેઓને બોર બનાવવામાં અગ્રતા આપવા જણાવી વિકાસકામો ગુણવત્તાપૂર્વક સમયમર્યાદામાં પરિપુર્ણ થાય તે દિશામાં કાર્ય કરવા સંબધિત અધિકારીઓને મંત્રીએ તાકીદ કરી હતી.






મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં આંતરમાળખાકીય સુવિધાઓના સુગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખૂટતી સુવિધાઓના કામોને પ્રાધાન્ય આપવા તેમજ આયોજન હેઠળના વિકાસકામોનું સતત મોનિટરીંગ કરીને પૂર્ણ કરવા માટેના સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, મંજૂર થયા હોય તેવા વિકાસકામોને બિનજરૂરી રીતે હેતુફેર કરવામાં આવશે નહી. જમીનના કારણે કામો શકય ન હોય તે કામને બદલે અન્ય કામો હાથ ધરવા પણ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત વિકાસકામોનું યોગ્ય આયોજન થાય જેના કારણે સ્થળ ફેરબદલી, કામોને હેતુફેર કરવા ન પડે તેની કાળજી લેવાની હિમાયત કરી હતી.






બેઠકમાં મંત્રીના હસ્તે જિલ્લાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ-૨.૦’નું વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂર થયેલા વિવિધ વિકાસકામોમાં માર્ગ વિકાસ હેઠળ રૂ.૫.૪૨ કરોડના ૨૧૨ વિકાસ કામો, પોષણ હેઠળ રૂ.૭.૫૦ લાખના ખર્ચે ત્રણ કામો, પ્રાથમિક શિક્ષણ હેઠળ રૂ. ૨૪.૫૦ લાખના ખર્ચે ૧૫ કામો, ગટર સુધારણા હેઠળ રૂ.૨૫૮ લાખના ખર્ચે ૭૫ કામો, પાણી પુરવઠા હેઠળ રૂ.૧.૦૫ કરોડના ખર્ચે ૯૩ કામો, સ્થાનિક વિકાસ માટે રૂ. ૨.૦૮ કરોડના ખર્ચે ૧૦૧ કામો, ભુમિ સંરક્ષણ માટે રૂ.૨૭.૫૦ લાખના ખર્ચે ત્રણ કામો અને આરોગ્ય હેઠળ રૂ.૧૨ લાખના ખર્ચે આઠ મળી કુલ રૂ.૧૨.૩૩ કરોડના ખર્ચના ૫૨૯ જેટલા રસ્તા, પેવર બ્લોક, આર.ઓ.પ્લાન્ટના કામો, નાળા-ગટરના કામો, પ્રાથમિક શાળા તથા આંગણવાડીઓમાં ખૂટતી સુવિધાના કામો, ગ્રામ્ય વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ જેવા વિકાસકામો મંજુર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application