Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે 5 જિલ્લામાં રેડ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

  • July 06, 2022 

મહારાષ્ટ્રમાં મેઘરાજા જાણે કે ગાંડાતૂર થયા હોય તેવો ભારે તોફાની વરસાદી માહોલ સર્જાયો છે. આખી કોંકણ પટ્ટી (મુંબઇ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ) અને મધ્ય મહારાષ્ટ્ર (નાશિક, પુણે, સાતારા, કોલ્હાપુર) અને મરાઠવાડા (પરભણી, જાલના, ઔરંગાબાદ, હિંગોળી, નાંદેડ)માં બેસુમાર વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે. મહારાષ્ટ્ર સરકારે આ તમામ સ્થળોએ બચાવ કાર્ય માટે  નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.)ની ટીમ તૈયાર રાખી છે. સાથોસાથ મુંબઇમાં સતત 24 કલાક માટે કન્ટ્રોલ રૂમ દ્વારા આખા જિલ્લાની વરસાદી માહિતી મેળવવા સચોટ વ્યવસ્થા પણ કરી છે.




ઉપરાંત, રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરોને અને ઉચ્ચ અધિકારીઓને પણ કોઇપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિ માટે સાબદા રહેવાની સૂચના આપવામાં આવી છે. બીજીબાજુ હવામાન ખાતાએ આવતા ચાર દિવસ (6,7,8,9-જુલાઇ) દરમિયાન દક્ષિણ કોંકણ (રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં અતિવૃષ્ટિ થાય તેવાં પરિબળો સાથે રેડ એૈલર્ટ જારી કરી છે. ઉત્તર કોંકણ (મુંબઇ,થાણે,પાલઘર)માં પણ અતિ ભારે વરસાદ વરસે તેવી ઓરેન્જ એલર્ટ જારી કરી છે.




મધ્ય મહારાષ્ટ્ર (કોલ્હાપુર, સાતારા, પુણે, નાશિક)માં  અતિ વૃષ્ટિ થાય તેવી રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરી છે. જ્યારે મરાઠવાડા (ઔરંગાબાદ, પરભણી, જાલના, હિંગોળી, નાંદેડ)માં ભારે વરસાદ વરસે તેવી યલો એલર્ટ જારી કરી છે. આમ 6 થી 9 જુલાઇ દરમિયાન મહારાષ્ટ્રના 5 જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે.




હવામાન ખાતાએ એવો સંકેત પણ આપ્યો હતો કે, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પ્રદેશોમાં આવતા 24 કલાક દરમિયાન લગભગ 20-21 સેન્ટીમીટર (1 સેન્ટીમીટર = 10 મિલિમીટર) જેટલો અતિ ભારે વરસાદ વરસે  તેવાં તોફાની કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.




હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે, ગયા સોમવારથી  કોંકણનાં રાયગઢ, રત્નાગિરિ, કણકવલી, ચીપલુણ, સિંધુદુર્ગ વગેરેમાં બારેય મેઘ ખાંગા થયા હોય તેવાં દ્રશ્યો સર્જાયાં છે. આખી કોંકણ પટ્ટીમાં ગયા સોમવારથી આભ આખું રસતરબોળ વરસી રહ્યું છે.





આ તમામ સ્થળોના હાઇ વે અને ગ્રામ વિસ્તારના રસ્તા કાં તો તૂટી ગયા છે અથવા તેના પર વરસાદી પૂર ફરી વળ્યાં છે. સતત મુશળધારથી ઘણાં સ્થળોએ રસ્તામાં મોટી મોટી તિરાડો પડી ગઇ છે.  કોંકણ પટ્ટી પહાડી પ્રદેશ હોવાથી ઘણી જગ્યાએ નાની નાની ટેકરીઓ ઉપરથી ઝરણાં અને જળ ધોધ વહી રહ્યાં છે.




રત્નાગિરિ જિલ્લાની વશિષ્ઠ, જગબુડી, રાયગઢની  સાવિત્રી,  કોલ્હાપુરની  કૃષ્ણા અને પંચગંગા  તથા  અમરાવતીની  પીંગળાઇ  વગેરે લોક માતાઓ પણ ગાંડીતૂર   થઇને બે કાંઠે  ભયજનક  સપાટી  પર વહી રહી હોવાના સમાચાર મળે છે. મહારાષ્ટ્રનાં ગિરિમથકો માથેરાન અને મહાબળેશ્વરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 122-129 મિલિમીટર (4.88 ઇંચ) વર્ષા નોંધાઇ હોવાના સમાચાર  મળે  છે.




મુશળધાર વરસાદથી મહારાષ્ટ્રનાં સાતારા જિલ્લાના વિશાળ કોયના ડેમમાં વિપુલ જળ રાશિ જમા થઇ હોવાથી ડેમની જળ સપાટી પણ વધી રહી હોવાના સમાચાર મળે  છે. કોયના ડેમની જળ સંગ્રહ ક્ષમતા 105 ટી.એમ.સી. (થાઉઝન્ડ મિલિયન ક્યુબિક ફીટ ઓફ વોટર)ની  છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application