ગુજરાત હાઈકોર્ટે એક જામીન અરજીની સુનાવણી દરમિયાન મેરીટલ રેપ અને મહિલાઓ સાથે થતા ગુનાઓ અંગે મહત્વની ટીપ્પણીઓ કરી હતી. સુનાવણી દરમિયાન મેરીટલ રેપ અંગે કોર્ટે કહ્યું કે ‘બળાત્કારએ બળાત્કાર છે, પછી ભલે તે કોઈ પુરુષ દ્વારા તેની પત્ની સાથે કોઈ કરવામાં આવે’.
હાઈકોર્ટે કહ્યું કે ભારતમાં મહિલાઓ સામેની જાતીય હિંસા પર મૌન તોડવાની જરૂર છે. ન્યાયાધીશ દિવ્યેશ જોશીએ જણાવ્યું હતું કે ભારતમાં મહિલાઓ સામેની હિંસાની વાસ્તવિક ઘટનાઓ નોંધાયેલા આંકડા કરતાં ઘણી વધારે છે, અને સ્ત્રીઓ એવા વાતાવરણમાં રહે છે જ્યાં તેમની વિરુદ્ધ હિંસા થવાની સંભાવના છે.
ગુજરાત હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, મહિલાનો પીછો કરવો, છેડતી કરાવી, મૌખિક અને શારીરિક હુમલાઓ અને ઉત્પીડન જેવા વર્તન અંગે સામાજિક વલણ સામાન્ય ગુના તરીકેનું છે. આ ગુનાઓ સામાન્ય નથી. સિનેમા જેવા લોકપ્રિય માધ્યમોમાં તેને રોમેન્ટિક રીતે દર્શાવવામાં આવે છે. જાતીય અપરાધોને ‘બોયઝ વિલ બી બોયઝ’ના ચશ્માં દ્વારા જોવામાં આવે છે અને અવગણના કરવામાં આવે છે. પીડિતા પર આવા ગુનાની ઊંડી અને લાંબાગાળાની ગંભીર અસર થાય છે.
પુત્રવધૂ પર ક્રૂરતા આચરવાના આરોપમાં ધરપકડ કરાયેલી એક સાસુએ કરેલી નિયમિત જામીન અરજી ફગાવી દેતી વખતે કોર્ટે આ ટીપ્પણીઓ કરી હતી. સાસુ પર એવો આરોપ છે કે તેને પુત્રવધુ પર બળજબરી કરાવી હતી. પીડિતાના પતિએ તેમની અંગત પળોનો વીડિયો પોર્ન સાઇટ પર પોસ્ટ કર્યો હતો. સસરાએ પણ પીડિતા સાથે છેડતી અને બળજબરી કરી હતી.
ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે અરજદાર (સાસુ)ની હાજરીમાં આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. પરિવારને તેમના વ્યવસાયિક ભાગીદારો દ્વારા તેમની હોટલના વેચાણને રોકવા માટે પૈસાની જરૂર હતી. જેની નોંધ લેતા કોર્ટે કહ્યું કે અરજદાર ગેરકાયદેસર અને શરમજનક કૃત્યથી વાકેફ છે અને તેણે તેના પતિ અને પુત્રને આવા કૃત્ય કરતા ન અટકાવીને સમાન ભૂમિકા ભજવી છે.
જસ્ટિસ દિવ્યેશ જોશીએ કહ્યું, ‘મોટા ભાગના (મહિલાઓ પર હુમલો કે બળાત્કાર) કેસમાં સામાન્ય પ્રથા એવી છે કે જો પુરુષ પતિ હોય અને તે બીજા પુરુષની જેમ વર્તે તો તેનો બચવા કરવામાં આવે છે. આ સહન કરી શકાય નહીં. એક માણસ…એક માણસ છે; એક કૃત્ય…એક કૃત્ય છે; બળાત્કાર… એ બળાત્કાર છે, પછી ભલે તે સ્ત્રી સાથે અન્ય પુરુષ દ્વારા કરવામાં આવે કે પછી તેના પતિ દ્વારા’.
કોર્ટે કહ્યું, ‘એવું જોવામાં આવે છે કે પરિવાર પર આર્થિક નિર્ભરતા અને સામાજિક બહિષ્કારનો ડર મહિલાઓને કોઈપણ પ્રકારની જાતીય હિંસા, દુર્વ્યવહાર અથવા ધિક્કારપાત્ર વર્તનની જાણ કરવાથી પાછળ હટે છે. તેથી, ભારતમાં મહિલાઓ સામેની હિંસાની વાસ્તવિક ઘટનાઓ સંભવતઃ આંકડા કરતાં ઘણી વધારે છે, આ મૌન તોડવાની જરૂર છે. મહિલાઓ સામેની હિંસા રોકવા અને તેનો સામનો કરવામાં પુરૂષોની ભૂમિકા કદાચ મહિલાઓ કરતાં પણ વધુ અને વધુ નિર્ણાયક છે.”
જસ્ટિસ દિવ્યેશ જોશીએ એ પણ ધ્યાન દોર્યું કે અમેરિકાના પચાસ રાજ્યો, ત્રણ ઓસ્ટ્રેલિયન રાજ્યો, ન્યુઝીલેન્ડ, કેનેડા, ઈઝરાયેલ, ફ્રાન્સ, સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, રશિયા, પોલેન્ડ અને ચેકોસ્લોવાકિયા અને અન્ય ઘણા દેશોમાં મેરીટલ રેપ ગુનો છે.ગુજરાત હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયન પીનલ કોડમાં સમાવિષ્ટ મોટાભાગની જોગવાઈઓ જયાંથી લેવામાં આવી છે એ યુનાઈટેડ કિંગડમમાં પણ વર્ષ 1991માં મેરીટલ રેપને ગુનો બનાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500