મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત આસપાસના અન્ય રાજ્યોના 64 લાખ નાનો રોકાણકારો સાથે રૂપિયા 4700 કરોડની છેતરપિંડી આચરનાર સમૃદ્ધ જીવન ચિંટફંડના એક ડાયરેકટર અને ફરાર આરોપી રામલિંગ હિંગેની સાત વર્ષ બાદ પુણે ક્રાઇમ બ્રાન્ચે સાતારાથી ધરપકડ કરી હતી. સમૃદ્ધ જીવન ચિટફંડનાં મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ મહેશ મોતેવાર હજી ફરાર છે. મોતેવાર અને રામલિંગ હિંગે આ બન્નેએ લાખો રોકાણકારો સાથે ઠગાઇ કરી હતી. આ લોકો સામે 26 જેટલા ગુના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા છે. સીબીઆઇ EDએ પણ સમૃદ્ધ જીવન ચિટફંડ પ્રકરણે ગુનાઓ નોંધ્યા છે અને ઓરિસ્સા, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, ઝારખંડ, આંધ્રપ્રદેશની પોલીસ પણ આ બંને આરોપીને શોધી રહી છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં 64 લાખ નાના મોટા રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેમા મહારાષ્ટ્રનાં 18 લાખ રોકાણકારોનો સમાવેશ થાય છે. આ પ્રકરણે અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમૃદ્ધ જીવનના ચેરમેન મહેશ મોતેવાર અને ડાયરેકટર રામલિંગ હિંગે છેલ્લા સાત વર્ષથી ફરાર છે. હિંગેની ધરપકડ પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સાતારાથી કરી હતી. હિંગે સાતારા રોડ પર આવેલ સિટી પ્રાઇડ પાસે આવવાનો છે તેવી માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે છટકું ગોઠવ્યું હતું જેમાં હિંગે આબાદ સપડાઇ ગયો હતો.
આ ચિટફંડના માસ્ટર માઇન્ડ મહેશ મોતેવારે સમૃદ્ધ જીવન ફૂડ્સ ઇંડિયા લિમિટેડ અને સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ કો.ઓપ. સોસાયટીની સ્થાપના કરી હતી. સિક્યોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ કંપનીની અંદર ચાલતી વિવિધ ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હતો. આ બાબતની વધુ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, આ લોકોએ ચિટફંડના નામે 64 લાખ રોકાણકારો માથે રૂપિયા 4,725 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી જેમાં એકલા મહારાષ્ટ્રના જ 18 લાખ રોકાણકારોનો સમાવેશ થતો હતો. આ પ્રકરણે સીઆઇડીના વડા અને પોલીસના એડીજીપી પ્રશાંત બુરડેએ જણાવ્યું હતું કે, આ કેસના અન્ય ફરાર આરોપીઓને શોધી કાઢવાના પ્રયાસો પર ભાર મૂકી તમામને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500