ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઇને નાના બાળકથી માંડીને સૌ કોઇમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના આંગણે અનેરો અવસર આવ્યો છે. દિગ્ગજોની વચ્ચે આજે ખાસ મેચ યોજાઇ રહી છે. ત્યારે વર્લ્ડ કપની મેચમાં ભારતની જીત માટે સૌ કોઇ પ્રાર્થના કરી રહ્યા છે. દેશના મોટા મોટા મંદિરો જેવા કે અયોધ્યા, શબરીમાલા તથા કર્ણાટક બેંગ્લુરુના બડે ગણેશ મંદિરમાં ખાસ પૂજા કરવામાં આવી હતી.
અયોધ્યા હનુમાન ગઢી મંદિરમાં ક્રિકેટ પ્રેમીઓએ રામધૂન બોલાવી હતી. હનુમાન ચાલીસા અને શ્રી રામ જય રામ જય રામના નારા સાથે ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી. આ સમયે આખુ મંદિર પરિસર યુવાઓથી ભરાઇ ગયુ હતું. મંદિરમાં જ જાણે ક્રિકેટ ફીવર છવાઇ ગયો હોય તેમ ક્રિકેટપ્રેમીઓ સફેદ, કેસરી અને વાદળી ટી શર્ટ પહેરીને રામધૂન બોલાવતા જોવા મળ્યા હતા.
કેરળના શબરીમાલા શ્રી ધર્મ સંસ્થા મંદિરને ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. મંદિરને બે મહિનાની યાત્રા માટે ખોલવામાં આવ્યું હતું, જ્યાં મંદિરના દરવાજા ખુલતાની સાથે જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ત્યારે આજે મેચને લઇને અહીં આવનાર ભક્તોમાં પણ અલગ ક્રેઝ જોવા મળ્યો હતો. દર્શનાર્થીઓ વી વિશ ઇન્ડિયા વિન કપના સ્લોગન લખેલા બેનરો સાથે આવી પહોંચ્યા હતા અને ભગવાનને ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી.
બેંગાલુરૂમાં ગણેશ મંદિરમાં પૂજા
તો આ તરફ કર્ણાટકના બેંગાલુરુમાં ગણપતિ મંદિરમાં ક્રિકેટ પ્રેમીઓએ ગણેશને ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી. અહીં મંદિરમાં ગણેશજીની આરતી સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500