Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રામની મૂર્તિને તારીખ 17 એપ્રિલે ભગવાન સૂર્યના કિરણો દ્વારા આરાધ્ય દેવતાનું તિલક કરવામાં આવશે

  • April 12, 2024 

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી રામની મૂર્તિને 17 એપ્રિલે રામ નવમીના રોજ બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણોથી તિલક કરવામાં આવશે. કુલ પાંચ મિનિટ સુધી ભગવાન સૂર્યના કિરણો દ્વારા આરાધ્ય દેવતાનું તિલક થતું જોવા મળશે. આ સૂર્ય તિલક 75 મીમીનું હશે. મંદિરના નિર્માણ સમયે જ સૂર્યના કિરણો સાથે રામના તિલકની કલ્પના કરવામાં આવી હતી. આ માટે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂરકીના વૈજ્ઞાનિકોની ટીમે સૂર્ય તિલકની ડિઝાઇન અને પાઇપિંગ પર કામ કર્યું છે. સૂર્ય તિલક પ્રોજેક્ટ હેઠળ રામ મંદિરના બીજા માળેથી ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિ સુધી પાઈપો અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ્સ (લેન્સ, મિરર્સ, રિફ્લેક્ટર વગેરે) દ્વારા સૂર્ય કિરણો પહોંચાડવામાં આવશે.


સૂર્ય કિરણો કેવી રીતે પહોંચાડવામાં આવશે તે વિષે જણાવીએ, આ માટે ચાર ઉચ્ચ ગુણવત્તાના અરીસા અને ચાર લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના બીજા માળે બે અને નીચેના માળે બે અરીસા લગાવવામાં આવ્યા છે. સૂર્યના કિરણો અષ્ટધાતુ પાઈપોમાંથી પસાર થશે અને બીજા માળે સ્થાપિત અરીસાઓ દ્વારા લેન્સને અથડાશે. આ પછી, સૂર્યના કિરણો પાઇપમાંથી પસાર થશે અને નીચેના માળે સ્થાપિત અરીસા અને લેન્સ પર અથડાશે અને ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિના માથા પર તિલક સ્વરૂપે પહોંચશે. બીજા માળેથી નીચેના માળ સુધી લગાડવામાં આવેલા પાઇપની લંબાઈ આઠથી નવ મીટરની રહેશે. આ માટે એક ગિયર મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે, અરીસાની દિશા વિશેષ રીતે નક્કી કરવામાં આવી છે. જેથી દર વર્ષે રામનવમી પર સૂર્યના કિરણો સાથે રામલલ્લાના કપાળ પર તિલક થઈ શકે. CBRI રૂરકીના વૈજ્ઞાનિક ડૉ. એસ.કે. પાણિગ્રહી અને તેમની ટીમે સૂર્ય તિલક પ્રોજેક્ટ પર કામ કર્યું છે.


આ પ્રોજેક્ટમાં જ્યારે CBRI રૂરકીએ તિલક અને પાઈપિંગની ડિઝાઈન પર કામ કર્યું છે. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA) બેંગ્લોર દ્વારા પરામર્શ કરવામાં આવ્યો છે અને ફેબ્રિકેશન ઓપ્ટિકા બેંગ્લોર દ્વારા કરવામાં આવ્યું છે. સૂર્ય તિલક પ્રોજેક્ટને લઈને વૈજ્ઞાનિકો સમક્ષ બે પડકારો હતા. પ્રથમ, રામ નવમીની તારીખ દર વર્ષે બદલાય છે અને બીજું, ગર્ભગૃહમાં કોઈ સ્થાપત્ય ડિઝાઇન નથી જેના લીધે સૂર્યના કિરણો ત્યાં સીધા પહોંચી શકે. આવી સ્થિતિમાં આ બંને પડકારોને પાર કરીને સૂર્યના કિરણોને રામ મંદિરના બીજા માળેથી ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની પ્રતિમા સુધી પાઇપિંગ અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા પહોંચાડવામાં આવશે. જ્યારે રામ મંદિરના ત્રીજા માળનું નિર્માણ થશે ત્યારે ત્રીજા માળેથી આ વ્યવસ્થા કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application