'નાગિન', 'જાની દુશ્મન', 'નૌકર બીવી કા' અને 'બીસ સાલ બાદ' જેવી ફિલ્મોના સર્જક રાજકુમાર કોહલીનું શુક્રવારે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. જયારે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મલ્ટીસ્ટારર અને સસ્પેન્સ તથા કોમેડીનો મસાલો ધરાવતી ફિલ્મો માટે જાણીતા રાજકુમાર કોહલીની વય 93 વર્ષની હતી.તેમના પુત્ર અરમાન કોહલીએ જણાવ્યું હતું કે, સવારે તેઓ બાથરૂમમાં સ્નાન કરવા ગયા બાદ લાંબા સમયથી બહાર આવ્યા ન હતા. દરવાજો ખટખટાવ્યા બાદ પણ કોઈ પ્રતિસાદ ન મળતાં આખરે દરવાજો તોડવો પડયો હતો. તેઓ બાથરૂમમાં જ ઢળી પડેલા જોવા મળ્યા હતા.
વર્ષ 1963થી કારકિર્દી શરુ કરનારા રાજકુમાર કોહલીની સૌથી જાણીતી ફિલ્મ 'જાની દુશ્મન' છે. હિટ ગીતો ધરાવતી આ ફિલ્મમાં સુનિલ દત્ત, શત્રુધ્નસિંહા, રીના રોય, સંજીવ કુમાર, નીતુ સિંહ, સારિકા, જિતેન્દ્ર, વિનોદ મહેરા, રેખા સહિતના અનેક સ્ટાર્સનો કાફલો હતો. આ ફિલ્મનું 'ચલો રે ડોલી ઉઠાઓ કહાર' ગીત આજે પણ રેટ્રો સોંગ્સમાં બહુ જાણીતું છે. જોકે, શત્રુધ્ન સિંહા, અનિતા રાજ સહિતના કલાકારોને હિટ ફિલ્મોથી કારકિર્દીમાં મદદ કરનારા રાજકુમાર કોહલી પોતાના પુત્રને સ્ટાર બનાવી શક્યા ન હતા. અરમાન કોહલીને લઈ તેમણે ઘણી ફિલ્મો બનાવી હતી પરંતુ મોટાભાગની ફિલ્મો ફલોપ ગઈ હતી. અરમાન છેલ્લે 'બિગ બોસ'ના સ્પર્ધક તરીકે જ જાણીતો રહ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500