Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Rajkot : TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસે આખરે ફરિયાદ દાખલ કરી, ઝડપી તપાસ માટે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરાઈ

  • May 26, 2024 

ગુજરાતના રાજકોટ શહેરના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે  લાગેલી ભીષણ આગમાં 32 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 12 બાળકો હતા. આ ઘટનામાં 15 બાળકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સમયે ગેમ ઝોનમાં 70 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઝડપી તપાસ માટે પાંચ સભ્યોની એસઆઈટીની રચનાની જાહેરાત કરી હતી.


એસઆઇટી વડા તરીકે સીઆઇડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે ટીમમાં ટેકનિકલ એજ્યુકેશન કમિશ્નર બંછાનિધિ પાની, એફએસએલના ડાયરેકટર એચ. પી, સંઘવી, અમદાવાદ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા અને માર્ગ અને મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક એમ. બી. દેસાઈનો સમાવેશ થાય છે. આ ટીમે રાજકોટ પહોંચીને સમગ્ર તપાસની શરૂઆત કરી છે.


આ દરમ્યાન ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસે આખરે ફરિયાદ દાખલ કરી દીધી છે. જેમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે ફોજદારી ધારાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમની વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 304, 308, 337 ,338 અને 114 ની કલમો દાખલ કરવામાં આવી છે. જોકે ગત સાંજે જ ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. જેમની તાલુકા પોલીસ વિધિવત રીતે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રાજકોટ પહોંચ્યા હતા

જોકે આ ઘટનાના પગલે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી શનિવારે મોડી રાત્રે રાજકોટ પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રાજકોટ પહોંચ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી છે. તેની બાદ તેમણે હોસ્પિટલના ઘાયલોની પણ મુલાકાત લીધી હતી.

બચાવ કામગીરી વગેરેની માહિતી મેળવી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ TRP ગેમિંગ ઝોન, દરબાર ચૌક, નાના મૌવા ખાતે આવેલા ઘટનાસ્થળની મુલાકાત લઈ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, નાયબ મ્યુનસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગેના કારણો, તંત્ર દ્વારા કરવામાં આવેલી બચાવ કામગીરી વગેરેની માહિતી મેળવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application