રાજ્યમાં નકલી ડૉક્ટરોથી માંડીને નકલી અધિકારીઓની સાથે ધી, પનીર સહિતની ડુપ્લિકેટ વસ્તુઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજકોટ એસ.ઓ.જી. પોલીસે દરોડા પાડી 800 કિલો નકલી પનીર જથ્થો જપ્ત કર્યો છે. નકલી પનીર બનાવવા માટે પામતેલનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં ફેક્ટરીના માલિકની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારમાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. રાજકોટ એસ.ઓ.જી. પોલીસે આશંકાના આધારે રેડ પાડી હતી.
સૌથી મહત્વની વાત એ છે કે, આ ફેક્ટરીની બહાર ફર્નિચરની દુકાનનું બોર્ડ લગાવીને છેલ્લા 3-4 વર્ષથી ચલાવવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. એસ.ઓ.જી. પોલીસની ટીમ આ જોઇને ચોંકી ગઇ હતી. આ રેડ દરમિયાન લાખોની કિંમતનો 800 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નકલી પનીર બનાવવા માટે પામતેલનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. ફેક્ટરીની ઠેર-ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પનીર નકલી છે કે અખાદ્ય છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભાવનગરથી આવતા અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આજે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગે શહેરના અલગ અલગ રેસ્ટોરન્ટમાં પનીરને લઈને ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે આ દરમિયાન રાજકોટના આરોગ્ય વિભાગે રેડ પાડી 1600 કિલો જેટલો ખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. નકલી પનીરના રેકેટની કડીઓ તપાસતા ભાવનગરના મહુવાના મેસવાડ ગામથી પનીર આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. રાજકોટમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત પનીરનો જથ્થો મળી આવતા RMCના આરોગ્ય વિભાગે શંકાસ્પદ ભેળસેળયુક્ત પનીર આધારે તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500