રાજકોટ અગ્નિકાંડમાં એકપછી એક ભ્રષ્ટાચારી હોમાઈ રહ્યાં છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાને કરતૂતો હવે તેમના અધિકારી ભાઈને પણ બચાવી શકે તેમ નથી. સરકારે મોડે મોડે શંકાના દાયરામાં રાખીને કે.ડી. સાગઠીયાને ચીફ ટાઉન પ્લાનિંગ (સીટીપી) કચેરીમાંથી હાંકી કાઢ્યા છે. મનસુખ સાગઠીયા સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ ચાલી રહી છે. રાજકોટના મહાભ્રષ્ટ અધિકારી અને પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ કાળી કમાણી કરીને કરોડો રૂપિયાની મિલકતો વસાવી છે.
તેમને સીટીપી ઓફિસમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા તેમના ભાઈ કે.ડી. સાગઠીયાનો કઈ કઈ ફાઇલમાં ઉપયોગ કર્યો છે તેની તપાસ થઇ શકે છે. હાલ તો કેડી સાગઠીયાને સીટીપીમાંથી ઉઠાવીને જીઆઈડીબીમાં મૂકવામાં આવ્યા છે અને તેમનો હવાલો બીજા અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે. મનસુખ સાગઠીયાના ભાઈ કેડી સાગઠીયા ગાંધીનગરની ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં લાંબા સમયથી ફરજ બજાવે છે. તેમને સરકારે સૌરાષ્ટ્ર વિસ્તારનો હવાલો સોંપ્યો હતો. મનસુખ સાગઠીયાની તપાસનો રેલો હવે તેમના ભાઈ સુધી પહોંચી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ તેમની અને તેમની મિલકતોની તપાસ કરી શકે છે. બીજીતરફ સરકાર ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીના ઓર્ડર પણ કરી શકે છે. રાજકોટના અગ્નિકાંડ પછી ભાજપના રાજકોટના નેતા ભરત કાનાબારે એવો આક્ષેપ કર્યો હતો કે, તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધીશો પાસેથી જમીનનો બિન ખેતી નકશો પાસ કરાવવા માટે સીટીપીના કે.ડી.સાગઠીયાએ રૂપિયા લીધા હતા. હવે આ કેસમાં પણ સરકાર તપાસ શરૂ કરાવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કેડી સાગઠીયા સીટીપીમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનરનો ચાર્જ સંભાળતા હતા. હવે તેમને સજાની જગ્યા જીઆઈડીબીમાં મૂકવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500