દેશનાં કોચિગ હબ કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસો પર અંકુશ મૂકવા રાજસ્થાન સરકારે કોચિંગ ઇન્સ્ટીટયૂટ માટે દિશા નિર્દેશ જારી કર્યા છે. જેમાં ટોપર્સના નામ જાહેર ન કરવા, રૂટિન ટેસ્ટનું પરિણામ ગોપનીય રાખવુ, રેન્કનાં આધારે વિદ્યાર્થીઓની અલગ બેચ ન બનાવવા, 120 દિવસની અંદર રિફંડ ચૂકવવા સહિતની અનેક ભલામણો કરવામાં આવી છે. કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા કેસોની સમીક્ષા કરવા માટ શિક્ષણ સચિવ ભવાની સિંહના નેતૃત્ત્વમાં 15 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી.
આ સમિતિની રચનાના થોડાક દિવસ પછી 9 પાનાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ગાઇડ લાઇનમાં ધો.9થી નીચેના વર્ગના વિદ્યાર્થીને પ્રવેશ ન આપવાની પણ ભલામણ કરવામાં આવી છે. વિદ્યાર્થીને રસ છે કે નહીં તેની ચકાસણી કર્યા પછી જ પ્રવેશ આપવાનું પણ જણાવવામાં આવ્યુ છે. જો ધો.9થી નીચેના વર્ગનો વિદ્યાર્થી કોચિંગ ઇન્સ્ટીટયૂટ છોડવા માગે છે તો તેને 120 દિવસમાં રિફન્ડ ચુકવવું પડશે. મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવતી કોચિંગ ઇન્સ્ટીટયૂટને ફરજિયાત સાપ્તાહિક રજા, રજાના દિવસે પરીક્ષાનું આયોજન ન કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. ગાઇડ લાઇનમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઇ પણ કોચિંગ ઇન્સ્ટીટયૂટ આ ગાઇડ લાઇનનું પાલન નહીં કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500