આસામની પોલીસે 20 કરોડના હેરોઈન અને અફિણના જથ્થા સાથે એક રાજસ્થાની ડ્રાઈવરની ધરપકડ કરી હતી. આ ડ્રાઈવર 3 કિલો હેરોઈન અને 85 કિલો અફિણ ભરીને મણિપુરથી રાજસ્થાન જતો હતો. આસામ પોલીસના જણાવ્યા પ્રમાણે, મણિપુરથી નીકળેલો ટ્રક રાજસ્થાન માટે રવાના થયો હતો. ટ્રકમાં તેલના ટેન્કર હતા, પરંતુ એમાં 3 કિલો હેરોઈન અને 85 કિલો અફિણનો જથ્થો હતો. મણિપુરથી રાજસ્થાન જતાં ટ્રકને આસામની પોલીસે આસામ-પશ્વિમબંગાળની સીમા પાસે રોક્યો હતો અને તેનું ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન પોલીસને હેરોઈન અને અફિણનો જથ્થો મળી આવ્યો હતો.
જોકે તે દરમિયાન ડ્રગ્સ દલાલે ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા તેને ગોળી વાગી હતી. જયારે ઈજા પામેલા આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે એ ડ્રગ્સ દલાલે પોલીસ અધિકારીની રિવોલ્વર ખેંચીને હવામાં ફાયરિંગ કર્યું હતું. એ પછી પોલીસે વળતી કાર્યવાહી કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે, કેટલાક લોકોએ ટ્રકને સળગાવી દેવાની કોશિશ કરી હતી પરંતુ તે પહેલાં ડ્રગ્સનો જથ્થો બીજા વ્હિકલમાં ખસેડી લેવાયો હતો. ડ્રગ સ્મલગરના સ્થાનિક સહાયકોએ આ પ્રવૃત્તિ કરી હોવાની શક્યતા છે, તેની ઓળખની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500