Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજસ્થાન-હરિયાણા સમાજ-સુરત દ્વારા ઉપરાષ્ટ્રપતિશ્રી જગદિપ ધનખડનો અભિવાદન સહ દિપાવલી સ્નેહમિલન સમારોહ યોજાયો

  • October 14, 2022 

રાજસ્થાન-હરિયાણા સમાજ-સુરત દ્વારા સુરતના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રી જગદિપ ધનખડનો અભિવાદન સહ દિપાવલી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. લોકસભા સ્પીકરશ્રી ઓમ બિરલા, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.



               

આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે, સુરતની મહેનતકશ ધરતીનું પાણી અસરદાર છે. સુરતના પાણીદાર લોકોનું દિલ ખૂબ મોટું છે. એટલે જ દેશના સર્વ રાજ્યોના કર્મયોગીઓને આત્મીયતાથી આવકાર્યા છે અને સામૂહિક શક્તિના જોરે આર્થિક મોરચે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. ઉપરાષ્ટ્રપતિશ્રીએ સુરતમાં વસતા રાજસ્થાન હરિયાણાના સમાજ બંધુઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી વ્યાવસાયિક કુશળતા અને વ્યવહારિક નમ્રતાથી સૌને એક અને નેક બની આગળ વધવા અને દેશના વિકાસમાં વધુમાં વધુ યોગદાન આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.



વધુમાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. ૨૦ કરોડ  ઉજ્જ્વલા ગેસ કનેક્શન, કોરોના કાળમાં ૯૦ કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ-ભોજન, સ્વદેશી વેક્સીન સહિતની સેંકડો જનહિતની યોજનાઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાનશ્રીએ આદિવાસી મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ અને મારા જેવા ખેડૂતપુત્રને ઉપરાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદની જવાબદારી આપીને સામાન્ય નાગરિક પણ દેશની ધૂરા સાંભળવામાં સક્ષમ છે એવું પ્રતિત કરાવ્યું છે તેમજ સામાન્ય ભારતીયોને ભારતીયતા અને રાષ્ટ્રીયતાનું ગૌરવ અપાવ્યું હોવાનું ઉમેર્યું હતું.




ઉપરાષ્ટ્રપતિશ્રીએ ઉપસ્થિત સૌને આગામી દિવાળી પર્વ તેમજ આજના કરવા ચોથની શુભેચ્છાઓ પાઠવી હતી.લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, પોતાની કર્મઠતા, શ્રેષ્ઠતા થકી રાજસ્થાન હરિયાણાના ઉદ્યોગકારોએ સુરતને આર્થિક શક્તિનું કેન્દ્ર બનાવ્યું છે. સાથોસાથ સુરત અને ગુજરાતે દેશના તમામ પ્રાંતોથી રોજગાર અર્થે આવેલા દેશવાસીઓને દિલથી અપનાવ્યા છે.



          

આઝાદીના અમૃત્તકાળમાં વડાપ્રધાનશ્રીએ ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત બનાવવા દેશવાસીઓને સહયોગ આપવા અને સંકલ્પબદ્ધ થવાની હાંકલ કરી છે. ભારતના નવયુવાનો પોતાની ક્ષમતા અને પ્રતિભાથી દેશ દુનિયામાં ભારતનું ગૌરવ અને સન્માન વધાર્યું છે એમ જણાવતાં શ્રી બિરલાએ યુવાધનને દેશને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનના વાહક બનવા આહવાન કર્યું હતું.ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, સુરત ખરા અર્થમાં મિની ભારત છે. સુરતની સામૂહિકતાની શકિત અને એકતાની શ્રેષ્ઠ કાર્ય સંસ્કૃતિએ સમગ્ર દેશ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. ભારતની ભુમિ અનેક ધર્મો, ભાષાઓ અને વૈવિધ્યની ભૂમિ છે, ત્યારે આ જ વિવિધતા આપણી સાચી તાકાત છે. એકતાની તાકાત સાથે ગમે તેવા પડકારોનો સામનો કરી શકીએ છીએ. વિશ્વના દેશોમાં ભારત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું હોવાનુ તેમણે જણાવ્યું હતું.



               

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ઉપરાષ્ટ્રપતિશ્રી જમીન સાથે જોડાયેલા નિર્મળ વ્યક્તિત્વના ધની છે. તેમની કાર્યક્ષમતા અને દક્ષતાનો લાભ દેશવાસીઓને મળી રહ્યો છે.ગુજરાતની શસ્ય શ્યામલા ધરતીએ દેશને ગાંધીજી અને સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયાઓ અને દેશને ઉન્નતિના પથ પર અગ્રેસર કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા ઘડવૈયાઓ આપ્યા છે એમ જણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, જન્મભૂમિથી દૂર રહી સુરતને કર્મભૂમિ બનાવી રાજસ્થાન હરિયાણાના ઉદ્યમીઓએ સુરતને વધુ ખૂબસૂરત બનાવ્યું છે.



              

ધારાસભ્ય અને રાજસ્થાન ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સતિશ પૂનિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, રાજસ્થાન હરિયાણાના પરિશ્રમી વ્યવસાયીઓ ગુજરાતના આર્થિક વૈભવ અને વિકાસની ઈમારત ચણવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ભારત દુનિયાની પાંચમી ઈકોનોમી બની છે. ત્રણ કરોડ લોકોને આવાસીય છત મળી હોવાનું જણાવી ભારત બદલાઈ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.પ્રારંભે અગ્રણીશ્રી કિશોર બિંદલે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત રાજસ્થાન-હરિયાણા સમાજના કેસરી સાફા પહેરેલા લોકોના કારણે સમગ્ર ઈન્ડોર સ્ટેડિયમ કેસરિયા રંગે રંગાયું હતું. અગ્રણીઓએ ઉપરાષ્ટ્રપતિશ્રીને રાજસ્થાનની ઓળખ સમાન ભાતીગળ કેસરી સાફો પહેરાવી, સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

           



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application