Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં અનેક સ્થળો ઉપર વરસાદ : જમ્મુમાં બે લોકોનાં મોત, રાજસ્થાનમાં કાળઝાળ ગરમી યથાવત

  • May 05, 2022 

દેશભરના મોટા ભાગના રાજ્યો ગરમીથી શેકાતા હતા ત્યારે બુધવારે અનેક સ્થળો પર વરસાદ ખાબકતાં તાપમાનનો પારો નીચે ઉતર્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. જોકે, જમ્મુમાં વરસાદ સંબંધિત ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં હતા. દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં હળવા વરસાદ સાથે કરાં પડયા હતા. જોકે, રાજસ્થાનમાં કાળઝાળ ગરમી યથાવત્ રહી છે.
જમ્મુમાં બુધવારે ભારે વરસાદ પડવાના કારણે વરસાદ સંબંધિત ઘટનામાં બે છોકરીઓનાં મોત થયા હતા.



જ્યારે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થતાં હાઈવે બંધ થઈ ગયો હતો. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારથી જ જમ્મુના આકાશમાં કાળા વાદળો ઘેરાંતા તાપમાન 3 ડિગ્રી સે.થી વધુ નીચે ઉતર્યું હતું. ઉધમપુર જિલ્લાના મનવાલ વિસ્તારમાં વીજળી પડતાં 13 વર્ષની એક છોકરીને ગંભીર ઈજા થઈ હતી. તેનું મોડી રાતે હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. અન્ય એક ઘટનામાં ભારે પવન ફૂંકાતા ડોડા જિલ્લાના ચરલ વિસ્તારમાં જંગલમાં લાકડા વિણવા ગયેલી 18 વર્ષની યુવતી પર ઝાડ પડતાં તેનું મોત થયું હતું.



અધિકારીઓએ ઉમેર્યું કે, જમ્મુના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા તાપમાનમાં 11 ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. બીજીબાજુ દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં બુધવાર બપોર પછી થોડા-થોડા સમયે વરસાદ વરસ્યો હતો. ગાઝિયાબાદમાં વરસાદની સાથે વાદળો ઘેરાતા બપોરના સમયે જ અંધારું છવાઈ ગયું હતું. વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય થતાં દિલ્હી-એનસીઆરમાં બુધવારે અનેક વિસ્તારોમાં વરસાદની સાથે કરાં પણ પડયા હતા. જોકે, વરસાદને પગલે તાપમાન નીચું આવતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.



તેલંગાણામાં પણ હૈદરાબાદ શહેર અને રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બુધવાર સવારથી જ અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડતાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જોકે, વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના લણણી માટે તૈયાર ડાંગરના પાકને નુકસાન થયું હતું. બીજીબાજુ રાજસ્થાનમાં ગરમી યથાવત્ રહી હતી અને 43.7 ડિગ્રી સે. સાથે ધોલપુર રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. હવામાન વિભાગે કહ્યું કે, કરૌલી, બાંસવારા, અલવર, ઝાલોર સહિતના અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી 42.6 ડિગ્રી સે. વચ્ચે રહ્યું હતું. જોકે, પદમપુર, સુરતગઢ, શ્રીગંગાનગર સહિતના કેટલાક શહેરોમાં હળવો વરસાદ નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application