ભારતમાં ચોમાસું પાંચ દિવસ વહેલું બેસી જશે. કેરળમાં તા.27મી મેના રોજ વરસાદ પડશે. દેશભરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો ત્યારે એક દોઢ સપ્તાહ પછી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ હતી. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું એ પ્રમાણે દક્ષિણ-પશ્વિમી ચોમાસું તા.15 મે આસપાસ આંદામાન સાગર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે. પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે ભારતમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ પહેલાં એટલે કે તા.27 મે નારોજ આવી જશે. તેનું સૌથી પહેલું આગમન કેરળમાં થશે. કેરળમાં વરસાદ પડશે તે પછી દેશભરમાં લોકોને લૂથી રાહત મળશે.
દરમિયાન દેશભરમાં તાપમાનનો પારો સતત ઊંચે ચડયો હતો. રાજસ્થાન અને દિલ્હીમાં હિટવેવથી જનજીવન ઠપ થઈ ગયું હતું. રાજસ્થાનના બાડમેરમાં 48.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેસલમેરમાં તાપમાનનો પારો 47.2 ડિગ્રી નોંધાયો હતો. આ બંને ઉપરાંત બિકાનેર, ચુરુ, ગંગાનગર, હનુમાનગઢી, કોટા વગેરેમાં રેડ એલર્ટ જારી કરાયો હતો. દિલ્હીમાં પણ સંખ્યાબંધ સ્થળોનું તાપમાન 44 થી 45 જેટલું ઊંચું રહ્યું હતું. નજફગઢનું તાપમાન સૌથી વધુ 46 નોંધાયું હતું. તો મંગેશપુરમાં તાપમાનનો પારો 45.6 રહ્યો હતો. સફદરગંજ સ્થિત લેબમાં દિલ્હીનું બેઝ સ્ટેશનનું સરેરાશ તાપમાન બપોરે 42.5 દર્જ થયું હતું.
દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયો હતો. સપ્તાહના અંત સુધી હિટવેવમાં કોઈ જ રાહત મળવાની શક્યતા નથી. એ જ રીતે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાય ભાગોમાં લૂથી બચવાની સલાહ આપવામાં આવી હતી. યુપીમાં કાનપુર સહિતના ઘણાં શહેરોમાં તાપમાન 40થી વધુ હતું. મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ આગ ઝરતી ગરમી પડી હતી. બીજી તરફ મેઘાલયમાં ભારે વરસાદ પડયો હતો. તેના કારણે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનના કારણે કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ઝારખંડમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ઝારખંડના પાકૂરમાં વીજળી પડતાં બેનાં મોત થયા હતા અને ચારને ઈજા પહોંચી હતી. બિહારના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500