ડાંગ જિલ્લામાં ચોમાસાએ વિધિવત પ્રારંભ કરતાં છેલ્લા ત્રણ દિવસથી સતત વર્ષી રહેલા વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જોકે ગતરોજ શરૂ થયેલો ધોધમાર વરસાદ સમગ્ર ડાંગમાં નોંધાયો હતો. જયારે આજરોજ સવારે 6 વાગ્યે પુરા થતાં ચોવીસ કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં સરેરાશ 34 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે. મળતી માહિતી મુજબ, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આહવા ખાતે 30 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઇ ખાતે 27 મી.મી., સુબિર ખાતે 39 મી.મી. અને ગિરિમથક સાપુતારા વિસ્તારમાં 40 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.
આમ, સમગ્ર ડાંગ જિલ્લામાં કુલ 136 મી.મી. વરસાદ નોંધાતા અહીં સરેરાશ 34 મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે. ગિરિમથક સાપુતારા સહિત ડાંગનાં ત્રણે તાલુકામાં આજ સવાર સુધી વરસાદ નોંધાયો હતો જે વરસાદ હાલ છુટો છવાયો વર્ષી રહ્યો છે. જયારે વરસાદનાં કારણે ગિરિમથક સાપુતારાનું વાતાવરણ આલ્હાદક બની જવા પામ્યું છે અને પ્રકૃતિમાં પ્રાણ ફૂંકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાપુતારા રાજ્યનું એક માત્ર ગિરિમથક હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિને માણવા ઉમટી પડે છે. હાલ ડાંગમાં વરસાદ વરસતા ખેડૂત વર્ગમાં ખુશી છવાતાં વાવણીમા જોતરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500