Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા વરસાદનું જોર ઘટ્યું : વહીવટી તંત્રની રાહત કામગીરી પુરજોશમા

  • July 17, 2022 

ડાંગ જિલ્લામા ગત સપ્તાહે ખાબકેલા સાંબેલાધાર વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિ બાદ છેલ્લા ચોવીસ કલાકથી ડાંગમા વરસાદે પોરો ખાતા, જિલ્લા વહીવટી તંત્રે રાહત કામગીરીની ગતી વધારતા, ઠેર ઠેર સંબંધિત અધિકારીઓની ટીમ ગામડાઓ ખુંદી પરિસ્થિતિનો કયાશ કાઢી રહ્યા છે.

ડાંગમા વરસાદે વિરામ લેતા જ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે તેમની ટીમ સાથે પૂરથી અસરગ્રસ્ત એવા પાંઢરમાળ, ભાલખેત, ગોદડીયા, પાતળી, એન્જીનપાડા, અને વાંકન સહિતના વિસ્તારોની તાબડતોડ મુલાકાત લઇ રસ્તા, પુલ, કોઝ વે, વીજ, મકાન, ખેતર, જમીનનુ ધોવાણ, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ જેવી બાબતોનો તાગ મેળવ્યો હતો.બીજી તરફ જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી આર.એમ.જાલંધરા એ પણ ભોન્ગડીયા, એન્જીન્પાડા, અને પાંઢરમાળના અસરગ્રસ્ત પરિવારોની મુલાકત લઈ, તેમને ઘરબેઠા અનાજનો પુરવઠો તથા રાશન કીટ પહોંચાડી સરકાર અને વહીવટી તંત્રની સંવેદનશીલતાને ઉજાગર કરી હતી. જિલ્લાના ગ્રામીણજનો ઉપર આવી પડેલી આ વિપદ વેળાએ જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સૌ સાથ મળીને અસરગ્રસ્ત પરિવારોને વ્હારે પહોંચી મદદ અને સહાય પહોંચાડી રહ્યા છે.

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડયા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ સ્વયં ગામડાઓ ખુંદી રહ્યા છે. તો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ પણ તેમના કાર્યકરો સાથે અસરગ્રસ્ત વિસ્તારોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવવા સાથે જરૂરી સહાય માટેની તજવીજ કરી રહ્યા છે.

ડાંગમા ચોવીસ કલાકમા નોંધાયો માત્ર ૧૪.૨૫ મી.મી. વરસાદ  માત્ર આઠ માર્ગો અને અગિયાર ગામ જ પ્રભાવિત 

ડાંગ જિલ્લામા સવારે છ કલાકે પુરા થતા ચોવીસ કલાકમા માત્ર ૧૪.૨૫ મી.મી. જ વરસાદ નોંધાયો છે.જિલ્લા ફલડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે આહવા ખાતે ૧૨ મી.મી. વઘઈ ખાતે ૯ મી.મી., સુબીર ખાતે ૯ મી.મી., અને સાપુતારા ખાતે ૧૭ મી.મી. મળી કુલ ૫૭ મી.મી. એટલે કે સરેરાશ ૧૪.૨૫ મી.મી. વરસાદ નોંધાયો છે. આ સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૧૬૪૫ મી.મી., વઘઈનો ૧૬૬૮ મી.મી., સુબીરનો ૧૫૩૯ મી.મી., અને સાપુતારા પંથકનો ૧૪૦૭ મી.મી. વરસાદ નોંધાતા જિલ્લાનો કુલ વરસાદ ૬૨૫૯ મી.મી. એટલે કે સરેરાશ ૧૫૬૪.૭૫ મી.મી. નોંધાવા પામ્યો છે. વરસાદનુ જોર ઘટતા અહીના નીચાણવાળા પુલો, કોઝ વે અને માર્ગો ઉપર ભરાયેલા વરસાદી પાણી ઓસરતા, તા.૧૭ જુલાઈના રોજ સવારના આઠ વાગ્યાની સ્થિતિએ હવે માત્ર આઠ માર્ગો જ વાહન વ્યવહાર માટે બંધ રહ્યા છે. જેનાથી અગિયાર ગામો પ્રભાવિત છે.


ગણતરીની મિનિટોમા જ ચિકટિયા ગામના અસરગ્રસ્તોને રાશન અપાયુ

ડાંગમા ઓસરેલા પૂર બાદ જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓ, જન પ્રતિનિધિઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમા ફરીને પરિસ્થિતિનો ચિતાર મેળવવા સાથે, અસરગ્રસ્તોને સાંત્વના પાઠવી રહ્યા છે.તાજેતરમા આ અધિકારીઓ તથા પદાધિકારીઓની ટિમ જિલ્લાના ચિકટિયા ગામે ગઈ હતી. જ્યા પૂરને કારણે બેઘર થયેલા પરિવારોની દશાનો ચિતાર મેળવ્યો હતો.તેમના ત્યાંથી ગયા બાદ ગણતરીની મિનિટોમા જ જિલ્લાના સંવેદનશીલ તંત્રે, તાત્કાલિક મદદરૂપ થવાની ભાવના સાથે આ પરિવારોને રાશનની કીટ અને અનાજનુ વિતરણ કર્યું હતુ.ડિઝાસ્ટર મામલતદાર-વ-આહવાના ઇન્ચાર્જ મામલતદાર શ્રી અર્જુન ચાવડાના જણાવ્યા અનુસાર, કલેકટરશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચિકટિયા ગામના અસરગ્રસ્ત પરિવારો, તેમની સસ્તા અનાજની દુકાન સુધી પહોંચી નહિ શકતા, બાજુના ગામ નડગખાદીની દુકાનેથી, સરકારી વાહનમા અનાજનો પુરવઠો લાવીને, આ પરિવારોને તેમના ઘર આંગણે જઈને તેનુ વિતરણ કરાયુ હતુ.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application